- મુખ્યપ્રધાને કરોડોના ખર્ચે તૈયાર થયેલા બસ સ્ટેન્ડનું લોકાપર્ણ કર્યું
- પીપળાવ ગામે 128 લાખના ખર્ચે આધુનિક એસ.ટી.બસ સ્ટેન્ડ તૈયૈર કરાયું
- બસ સ્ટેન્ડનું લોકાપર્ણ અને પાંચ ડેપોનું ખાત મુહૂર્ત કર્યું
આણંદ :મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતેથી કરોડોના ખર્ચે તૈયાર થયેલા નવિન બસ સ્ટેન્ડનું લોકાપર્ણ અને પાંચ ડેપોનું ખાત મુહૂર્ત કર્યું હતું. જેમાં આણંદ જિલ્લાના પીપળાવ બસ સ્ટેન્ડનો પણ સમાવેશ થાય છે. વિજય રૂપાણીએ એસ. ટી. નિગમની સેવાઓની સરાહના કરતા જણાવ્યું હતું કે, એસ. ટી. બસની સેવા એક સામાજિક સેવા છે. તે પછી ગ્રામીણ વિસ્તાર હોય, વિધાર્થી માટેની સેવા હોય, આપત્તિનો સમય હોય કે, ગરીબ પરિવારો માટે લગ્ન પ્રસંગ હોય એસ. ટી. બસ હંમેશા સલામત સેવા આપી રહી છે.
આ પણ વાંચો : સીએમ રૂપાણીએ 14 બસ સ્ટેશન- વર્કશોપનું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ- ખાતમૂર્હુત કર્યું
નૂતન બસ સ્ટેન્ડની તકતીનું અનાવરણ કરી લોકાર્પણ કર્યું
પીપળાવ ગામે વિશેષ ઉપસ્થિત રહેલા રાજ્યના મહેસુલ પ્રધાન કોશિક પટેલે નૂતન બસ સ્ટેન્ડની તકતીનું અનાવરણ કરી લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે, એસ. ટી. નિગમ દ્વારા ગ્રામીણ વિસ્તારો હોય, મોટા શહેરો હોય કે તીર્થ સ્થળો હોય તમામ ક્ષેત્રે પ્રવાસ કરતાં નાગરિકોને સલામત પ્રવાસ એસ. ટી. બસ દ્વારા મળી રહે છે. તેમણે પીપળાવ ગામ અને આશાપુરી માતાના મંદિરના દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓ માટે આ નૂતન સુવિધા ખૂબ ઉપયોગી પુરવાર થશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.