આણંદઃ ભારત બંધને આણંદ જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. આણંદમાં માત્ર મુસ્લીમ વિસ્તારોમાં મુસ્લીમ વેપારીઓ દ્વારા તેમના વેપાર-ધંધા બંધ રાખી ભારત બંધને સમર્થન આપ્યું હતું. આ સાથે સાથે મુસ્લીમ સમાજ દ્વારા સામૂહિક દુઆ કરવામાં આવી હતી.
આણંદમાં CAA તથા NRCના વિરોધમાં 'ભારત બંધ'ને મિશ્ર પ્રતિસાદ - ભારત બંધને સમર્થન
CAA અને NRCના વિરોધમાં બુધવારના રોજ ભારત બંધની જાહેરાત કરવામાં આવી હતી. જેને આણંદ જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. મોટા ભાગના મુસ્લીમ બિરાદરો દ્વારા વેપાર ધંધા બંધ રાખી ભારત બંધને સમર્થન આપવામાં આવ્યું હતું.
મુસ્લીમ બિરાદરો દ્વારા તેમના વ્યવસાય બંધ રાખી શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી CAA તથા NRC કાયદામાં સરકાર દ્વારા પુનઃવિચારણા કરવા માટે અપીલ કરવામાં આવી હતી. આણંદ જિલ્લાના બોરસદ, આકલાવ, તારાપુર, ઉમરેઠ, ખંભાત, સોજીત્રા વગેરે શહેરનાં મુસ્લીમ બિરાદરો દ્વારા ભારત બંધને સમર્થન આપવામાં આવ્યું હતું. આ સિવાય અન્ય સ્થળો પર વેપારીઓ દ્વારા તેમના વ્યવસાય રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવ્યા હતા. મુસ્લીમ વિસ્તારને છોડી અન્ય વિસ્તારોમાં બંધની કોઈ જ પ્રકારની અસર જોવા મળી ન હતી.
આણંદ શહેરમાં સલામતીના ભાગરૂપે અમુક વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. સદભાગ્યે કોઈપણ સ્થળે અનિચ્છનીય બનાવ બનવા પામ્યો ન હતો.