- ખંભાતના બજારોમાં અસામાજિક તત્વોની ધાક વર્તાઈ
- જાહેરમાં અશાંતિ સર્જતાં તત્ત્વોને જોઇ ફટાફટ માર્કેટ બંધ ધઈ ગયાં
- ખંભાતમાં રાત્રિના સમયે શાંતિ ડહોળતા તોફાની તત્વો સામે ફરિયાદ નોંધાઇ
ખંભાતઃ અસામાજિક તત્વો દ્વારા આવી હરકતને પગલે વેપારીઓએ તરત જ દુકાનો બંધ કરી દીધી હતી. જેની જાણ થતાં ઘટના સ્થળે તરત પોલીસ કાફલો આવી ગયો હતો. જેને જોઇને તોફાની તત્વો નાસી છૂટયાં હતાં. જોકે પોલીસે સ્થાનિક માણસો મારફતે સદર તોફાની તત્વોની ઓળખ કરી તેઓ વિરુદ્ધ ઇ.પી.કો કલમ 160 મુજબ ગુનો નોંધી તોફાની તત્વોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસે કરી કાર્યવાહી
આ અંગે એ.એસ.આઈ મહેન્દ્રભાઈ હસુભાઈની ફરિયાદને આધારે જાણવા મળ્યું હતું કે ગત રાત્રે 9:30 કલાકે હેડ કોન્સ્ટેબલ કનકસિંહ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અલ્પેશ અલંકાર ગેસ્ટ હાઉસમાં હાજર હતાં. તે દરમિયાન અલંકાર ગેસ્ટ હાઉસ સામેના રોડ ઉપર બૂમાબૂમ થતા વાતાવરણ ડહોળાયું હતું. જેમાં ચાર માણસો જાહેરમાં ગમે તેમ બોલી સુલેહ ભંગ કરતાં હોઇ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. જોકે પોલીસ પહોંચે તે પહેલાં આ ચારે નાસી છૂટયાં હતાં. પોલીસે સ્થાનિક માણસો મારફતે જેઓના નામઠામ મેળવતા તેઓના નામ તરુણભાઈ વિજય ભાઈ ચુનારા તથા હિમાંશુભાઈ વિજયભાઈ ચુનારા બંને રહેઠાણ મોટી ચુનારવાડ ખંભાત તેમજ રોહિત ઉર્ફે પેપો રાજુભાઈ ચુનારા તેમ જ લલ્લુ ચુનારા ચડ્ડી ગેંગનો માણસ બંને રહેવાસી પાધરીયા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ ચારેય તોફાની તત્વો વિરુદ્ધ સુલેહભંગ તથા વાતાવરણ ડહોળવા બદલ ઇપીકો કલમ 160 મુજબ ગુનો નોંધી તોફાની તત્વોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.