ગુજરાત

gujarat

ETV Bharat / state

જાણો કેવી રીતે કરે છે અમુલ કોલ્ડ સપ્લાય ચેનનું મેનેજમેન્ટ - special story

દેશમાં ડેરી ક્ષેત્રે અદ્વિતીય વિકાસ કરનાર અમુલ ડેરી દ્વારા છેલ્લાં 69 વર્ષથી દૂધ ઉત્પાદન ક્ષેત્રે ક્રાંતિ લાવવા અને પશુઓના ઓલાદની ગુણવત્તામાં સુધાર લાવવાના આશયથી આર્ટિફિશિયલ ઈનસમીનેસન (કુત્રિમ બીજદાન) પદ્ધતિ અમલમાં લાવવામાં આવી છે. આ પદ્ધતિમાં અમુલના નિષ્ણાંતો દ્વારા તૈયાર કરાયેલા ડોઝને ખૂબ નીચા તાપમાનમાં સંગ્રહ અને વહન કરવામાં આવતા હોય છે.

anand
જાણો કેવી રીતે કરે છે અમુલ કોલ્ડ સપ્લાય ચેનનું મેનેજમેન્ટ

By

Published : Dec 5, 2020, 7:14 PM IST

  • અમુલ ડેરી છેલ્લા 69 વર્ષથી કરે છે કોલ્ડ સપ્લાય ચેન મેનેજમેન્ટ
  • અમુલ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર થકી કરવામાં આવે છે સીનોમનું ઉત્પાદન
  • રોજના 20000 કરતા વધુ ડોઝનું કરાઇ છે ઉત્પાદન
  • 1200 દૂધ મંડળી પર વિકસાવ્યું છે નેટવર્ક
  • 16000 કિલોમીટરનું નેટવર્ક ક્ષતિરહિત કરે છે કામ
  • વાર્ષિક 50 લાખથી વધુ ડોઝ કરવામાં આવે છે તૈયાર
  • 1951 થી આ પ્રણાલી વિકસાવવામાં આવી

આણંદ : દેશમાં ડેરી ક્ષેત્રે અદ્વિતીય વિકાસ કરનાર અમુલ ડેરી દ્વારા છેલ્લાં 69 વર્ષથી દૂધ ઉત્પાદન ક્ષેત્રે ક્રાંતિ લાવવા અને પશુઓના ઓલાદની ગુણવત્તામાં સુધાર લાવવાના આશયથી આર્ટિફિશિયલ ઈનસમીનેસન (કુત્રિમ બીજદાન) પદ્ધતિ અમલમાં લાવવામાં આવી છે. આ પદ્ધતિમાં અમુલના નિષ્ણાંતો દ્વારા તૈયાર કરાયેલા ડોઝને ખૂબ નીચા તાપમાનમાં સંગ્રહ અને વહન કરવામાં આવતા હોય છે. અમુલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર અમિત વ્યાસે આ કોલ્ડ સપ્લાય ચેન વિશે વિસ્તૃત માહિતી આપતા ETV BHARATને જણાવ્યું હતું કે, અમુલ ડેરીમાં 1951થી આ પ્રણાલી વિકસાવવામાં આવી હતી. જેમાં પશુની સારી નસલને વિકસાવવા માટે આ પદ્ધતિ ખૂબ કારગર સાબિત થઈ છે. શરૂઆતના સમયે જ્યારે આ પ્રણાલીમાં અત્યંત જરૂરી તેવા તાપમાનના નિયંત્રણને માટે કોઈ ચોક્કસ સંશોધન થયા ન હતા. ત્યારે અમુલમાં બરફનો ઉપયોગ થતો સમયાંતરે જ્યારે અમુલ દ્વારા આણંદ જિલ્લાના ઓડ મુકામે અમુલ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટરની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ અત્યારની આ ક્ષતિરહિત કોલ્ડ સપ્લાય ચેન પદ્ધતિ અમલમાં આવી હતી.

જાણો કેવી રીતે કરે છે અમુલ કોલ્ડ સપ્લાય ચેનનું મેનેજમેન્ટ
દૈનિક 20000 જેટલા એ.આઈ ના ડોઝ કરવામાં આવે છે તૈયાર

અમુલ ડેરી દ્વારા ઓડ ખાતે આવેલા રીસર્ચ સેન્ટર માં 150 જેટલા ઉચ્ચ ગુણવત્તાના પશુઓને રાખવામાં આવે છે. તેમાંથી 50 જેટલા સાંઢમાંથી દૈનિક 20000 જેટલા એ.આઈ ના ડોઝ તૈયાર કરવામાં આવે છે. જે થકી વાર્ષિક 50 લાખ કરતા વધારે ડોઝ તૈયાર થતા હોય છે. અમુલ દ્વારા ત્યાર કરવામાં આવેલ આ લાખો ડોઝને ખૂબ નીચા તાપમાને સંગ્રહ કરવાની જરૂર પડે છે. તેના માટે અતિ મહત્વપૂર્ણ પ્રવાહી નાઇટ્રોજનનો ઉપયોગ કરવામા આવે છે.

અમુલ કોલ્ડ સપ્લાય

16000 લીટર પ્રવાહી નાઇટ્રોજનનો જથ્થોનો કરવામાં આવે છે સંગ્રહ

ઓડ સ્થિત આ સેન્ટરમાં 16000 લીટર જેટલો પ્રવાહી નાઇટ્રોજનનો જથ્થો સંગ્રહ કરવા માટેની આધુનિક વ્યવસ્થા અમુલ ડેરી દ્વારા ઉભી કરવામાં આવી છે. અમુલના સેન્ટરમાં તૈયાર કરવામાં આવેલા ડોઝને 350 લીટરના નાના ટેન્કમાં એક મહિના સુધી સંગ્રહ કરવામાં આવે છે. ત્યારબાદ અમુલ દ્વારા કોલ્ડ સપ્લાયની મુખ્ય કામગીરીની શરૂઆત થાય છે.

1200 દૂધ મંડળીના નેટવર્ક પર માસિક 16000 કિલોમીટરમાં વિકસાવેલા 91 રૂટના ઉપયોગ થકી કરવામા આવે છે વહેંચણી

અમુલ દ્વારા સંગ્રહ કરવામાં આવેલ ડોઝનું ડેરીની 1200 દૂધ મંડળીના નેટવર્ક પર માસિક 16000 કિલોમીટરમાં વિકસાવેલા 91 રૂટના ઉપયોગ થકી વહેંચણી કરવામા આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા પ્રવાહી નાઇટ્રોજનમાંથી 20 ટકા જેટલું પ્રવાહી બાષ્પીભવન થતું હોય છે. જેમાં આ સિસ્ટમમાં દરેક રૂટમાં ચાર ટેન્કમાં પ્રવાહી નાઇટ્રોજન સાથે રાખવામાં આવતું હોય છે. આ એઆઈ પ્રક્રિયામાં ટેકનોલોજીનો પણ વિશેષ ઉપયોગ કરવામાં આવતો હતો. જેમાં ડિજિટલ સિસ્ટમ થકી સમગ્ર પ્રક્રિયાનું અવલોકન કરવામા આવતું હોય છે. દૂધ મંડળી થકી અમુલના સિસર્ચ સેન્ટર પર નોંધાવવામાં આવેલ જથ્થાને રૂટ પ્રમાણે મંડળી સુધી પહોચાડવામાં આવતો હોય છે. જેમાં સેન્ટરથી લઈ મંડળી સુધી પ્રવાહી નાઇટ્રોજનનો ઉપયોગ કરી માઇનસ 196 ડીગ્રી સે. તાપમાનને જાળવી રાખવામાં આવે છે. એકવાર ડોઝ મંડળી સુધી પહોંચે તે બાદ તેને 3 લીટરની ક્ષમતા વાળા ટેન્કમાં ભરવામાં આવે છે. જેને મંડળીનો કૃમિ કર્મચારી ગામડાંના છેવાડાં સુધી પહોંચાડે છે અને તે પણ ન્યૂનતમ તાપમાનનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આમ આ સમગ્ર પ્રક્રિયામાં અમુલ ડેરી દ્વારા 7 લાખ લીટર જેટલા પ્રવાહી નાઇટ્રોજનનો ઉપયોગ કરવામા આવે છે.

આ પ્રક્રિયા વહેંચાઈ છે બે ભાગમાં

આ સમગ્ર પ્રક્રિયામાં અમુલ ડેરીના 29 નિષ્ણાત કર્મચારીઓ પોતાની જવાબદારી ખૂબ કાળજીપૂર્વક નિભાવે છે અને વાર્ષિક 50 લાખ જેટલા ડોઝને 1200 દૂધ મંડળીઓ સુધી પહોંચાડે છે. આ પ્રક્રિયા બે ભાગમાં વહેંચાઈ છે. જેમાં પ્રથમ સેન્ટરથી મંડળી સુધી ડોઝને પહોંચાડવામાં આવે છે. બીજા તબક્કામાં મંડળી પર પહોંચેલા ડોઝને મંડળીના કૃમિ કર્મચારીઓ દ્વારા પશુપાલકોના ઘર સુધી પહોંચાડી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. સામાન્ય રીતે આ સીનોમનું તાપમાન 37 ડીગ્રી સે. હોય છે. જેને માઇનસ 196 ડીગ્રીમાં સંગ્રહ અને ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે. જેને કૃમિ કર્મચારીઓ દ્વારા ઈંપ્લાન્ટ કરતા પહેલા તેને પાછું 37 ડીગ્રી સે. પર પાછું લાવવામાં આવે છે. જે કોલ્ડ સપ્લાય ચેનમાં અતિ મહત્વપૂર્ણ સાબિત થાય છે. અમુલ ડેરી દ્વારા તમામ 1200 મંડળીઓ પર 1200 ઉપરાંત કૃમિ કર્મચારીઓ આ પ્રક્રિયામાં જરૂરી તાપમાનને જાળવી રાખવા કાર્યરત રહે છે.

સીનોમ સાથે રસીનું પણ -196℃ માં કરવામાં આવે છે વહન

દેશમાં ચાલી રહેલ વર્તમાન કોરોના કહેર વચ્ચે આવનાર દિવસોમાં કોરોનાની રસીને પણ માઇનસ ડીગ્રી ટેમ્પરેચરમાં વહન કરવાની ફરજ પાડનાર છે. ત્યારે અમુલ ડેરી દ્વારા પશુઓમાં દેખાતી થરોલીસીસ બીમારીમાં વપરાતી રસીને પણ આજ લિક્વિડ નાઇટ્રોજન થકી અમુલ ડેરીના 14 જેટલા વેટેનરી સેન્ટ્રો સુધી પહોંચાડવામાં આવતી હોય છે. જ્યાંથી ફરજ પરના ડોક્ટરો દ્વારા ત્રણ લિટર નાના કન્ટેનરમાં આ રસીને બીમાર પશુઓના ઈલાજ માટે લઈ જવામાં આવતી હોય છે. અમુલ દ્વારા વાર્ષિક ત્રણથી ચાર લાખ જેટલી રસીઓના ડોઝને સેન્ટ્રલથી 14 જેટલા વેટેનરી સેન્ટર સુધી પહોંચાડાય છે. ત્યાંથી 200 જેટલી દૂધ મંડળીઓના લાખો સભાસદોના ત્રણથી ચાર લાખ જેટલા પશુઓ સુધી પહોંચાડવામાં આવતી હોય છે. આમ અમુલ દ્વારા વિકસાવવામાં આવેલ કોલ્ડ સપ્લાય ચેન મેનેજમેન્ટની આ પ્રણાલી ખૂબ જ કારગર સાબિત થઇ રહી છે.

ABOUT THE AUTHOR

...view details