આણંદમાંથી પસાર થતો નેશનલ હાઇ-વે નંબર પર ભારે ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે. તેના કારણે સૌરાષ્ટ્રથી ભરૂચથી મુંબઇ તરફનો ટ્રાફિક બગોદરા થઇ જંબુસર તરફ વળી જાય છે. તો બીજી તરફ બોરસદ, ગંભીરા રોડ ઘણો સાંકળો છે. એટલે આ રોડ પર ગંભીર અકસ્માતો સર્જાઇ રહ્યા છે. થોડા સમય પહેલાં જ ગંભીર અકસ્માત થયો જેમાં 11 જેટલા યુવાનોએ જીવ ગુમાવ્યો હતો. તો ગુરૂવારના રોજ સ્થાનિકે આગેવાને અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. છતાં તંત્રએ આ રોડ પર વારંવાર થતાં અકસ્માતોની તપાસની કરવાની તસ્દી લીધી નથી. જેના કારણે કિંખલોડ, ગંભીરા, પીપીળી, ભાદરણ, વાસણા અને શેરડી ગામના લોકોએ હોબાળો મચાવ્યો હતો.
આણંદમાંથી પસાર થતો હાઈ-વે જીવલેણ બનતાં સ્થાનિકોનું તંત્રને આવેદન
આણંદઃ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇ-વે નંબર 8 પર અકસ્માતોનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. જેમાં કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. માટે સ્થાનિકોએ આ રોડ પર ભારે વાહનો પર પ્રતિબંધ લાવવા માટે તંત્રને આવેદનપત્ર પાઠવ્યું છે.
સ્થાનિક ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર. આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ નટવરસિંહ મહિડા સાથે સરપંચ સહિતના આગેવાનોએ ભેગા થઇને બોરસદ APMCથી મામલતદાર કચેરી સુધી ચાલતાં જઇને તંત્ર સામે રજૂઆત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ માર્ગ પર ભારે વાહનો તથા લોન્ગ એક્સેલ વ્હીકલને પ્રવેશ બંદી કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવે. જેથી આ રોડ પર અકસમાતો થતાં અટકી શકે.
આ રજૂઆત વિશે સ્થાનિક ધારાભ્ય રાજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષ દરમિયાન 500થી મુસાફરોએ આ બોરસદ- ગંભીરા રોડ પર જીવ ગુમાવ્યો છે. મોટાભાગના અકસ્માતો સૌરાષ્ટ્રથી જંબુસર તરફથી આવતા ટ્રાફિકના કારણે થતાં હતા. કારણ કે, નેશનલ હાઇવે નંબર 8 તથા એક્સપ્રેસ હાઇ-વે લોન્ગ એક્સેલ વ્હીકલ અને ટ્રાન્સપોર્ટના વ્હીકલમાં ભારે ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે. જેથી બોરસદ- ગંભીરા રોડ પર જવાથી 70 કિલોમીટર જેટલો રસ્તો ટૂંકો પડતો હોવાથી આ માર્ગ ટ્રાન્સપોર્ટેશન વ્હીકલ દ્વારા વધુ લોકપ્રિય બન્યો હતો. તેમજ આ માર્ગ માટે એસેમ્બલીમાં બે વખત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આ મુદ્દે તંત્ર દ્વારા કોઇ કડક કાર્યવાહી કરવામાં આવી નહોતી. જેના કારણે કેટલાંય સ્થાનિકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આથી રોષે ગ્રામજનોને તંત્રને આવેદન પાઠવવાની ફરજ પડી છે. ત્યારે SDM મિહિર પટેલે રજુઆત પર સત્વરે પગલાં ભરવા ની બાહેંધરી આપી હતી કે, આ માર્ગ પર ભારે વાહનોની શક્ય હશે તેટલી રોક મૂકવામાં આવશે. પરંતુ જો આ બાબાતે વહેલામાં વહેલી તકે કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે તો સ્થાનિકોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.