- ધુવારણ દરિયામાં 55 જેટલા ફસાયેલા યાત્રીકોને બચાવાયા
- દરીયાઇ માર્ગે પાણી ઓછું હોવાથી ફસાઇ હતી નાવ
- કાદવ-કિચડમાં નાવ ફસાતા યાત્રાળુઓ અટવાયા હતા
આણંદ:જંબુસર તાલુકાના કાવી કંબોઇથી બોટ દ્વારા ધુવારણ તરફ પરત આવતા 55 જેટલા મહીસાગર પરિક્રમા યાત્રીકો સાથેની બોટ દરિયાની ભરતીના કારણે ફસાઇ હતી. આથી ભરતીના પાણીના હિલ્લોળાના કારણે બોટ ડૂબી જશેની ભીતિ વ્યાપી હતી. મધદરિયે ફસાયેલા યાત્રીકોના જીવ તાળવે ચોંટયા હતા. જોકે ઘટનાની જાણ સ્થાનિક ગ્રામજનો અને માછીમારોને થતા મધદરિયે ફસાયેલા યાત્રીકોને બચાવવા રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં ધુવારણની આસપાસના માછીમારોએ પોતાની યાંત્રિક બોટ મધદરિયે લઇ જઇને યાત્રીકોને સલામત રીતે કિનારે લાવ્યા હતા. ઘટનાની જાણ થતાં વહીવટીતંત્રના પદાધિકારીઓ પણ પહોંચ્યાનું જાણવા મળે છે.
આ પણ વાંચો:પાણીમાં ફસાયેલા લોકો માટે પોલીસ બની દેવદૂત, બાળકોને ખભે બેસાડીને સલામત સ્થળે ખસેડ્યા
મહીસાગર પરિક્રમા કરવા નીકળ્યા હતા યાત્રીકો
મળતી વિગતોમાં વહેરાખાડીથી છેલ્લા 12 વર્ષથી પદયાત્રીઓ મહી નદીની પરિક્રમા કરે છે. જેઓ આણંદ જિલ્લામાં પદયાત્રા કર્યા બાદ વડોદરા જિલ્લામાં બોટ મારફતે પહોંચે છે. ત્યાંથી પુન:પરિક્રમા કરીને પરત બોટ દ્વારા આણંદ જિલ્લામાં આવે છે. આ વર્ષ વહેરાખાડીથી 55 પદયાત્રીઓ પરિક્રમા અર્થે નીકળ્યા હતા. જેઓ જંબુસર તાલુકાના કાવી કંબોઇથી આણંદ જિલ્લામાં પરત આવવા ધુવારણ સુધી દરિયાઇ માર્ગ બોટમાં પ્રવાસ કરી રહ્યા હતા.