આણંદઃ જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રમણ અને સારવાર વિશે વાત કરીએ તો આણંદ જિલ્લામાં કોરોના પ્રકોપમાં ઘટાડો નોંધાયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2663 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 2564 કેસ નેગેટિવ આવ્યા છે, તેમજ 99 કેસ પોઝિટિવ નોંધાયા છે. જે પૈકી 84 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. તેમજ 10 વ્યક્તિઓનો કોરોનાએ ભોગ લીધો છે. આ સાથે 3 વ્યક્તિઓ કોરોના સિવાયના કારણે મોતને ભેટ્યા છે.
અનલોક-1ઃ જાણો લોકડાઉન બાદ આણંદ જિલ્લાની પરિસ્થિતિ...
અનલોક-1માં દેશના અર્થતંત્રને વેગવાન બનાવવા બજારોને પુનઃ ખુલ્લા મુકાયા છે. રાજ્ય સરકારે આપેલી છુટછાટ અંતર્ગત આણંદ જિલ્લામાં લોકડાઉન બાદ કોરોનાના ભયની સીધી અસર બજારમાં જોવા મળી રહી છે.
હાલ આણંદ જિલ્લામાં ફક્ત 2 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. આણંદ જિલ્લાએ કોરોના જાગૃતતા અને તેની તાલીમ આપવામાં કેન્દ્ર કક્ષાએ નોંધનીય કામગીરી કરી બતાવી છે. હાલ આણંદ જિલ્લામાં નોન કન્ટેનમેન્ટ વિસ્તારમાં કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું હોય, તેમ જિલ્લામાં નવા વિસ્તારોમાં કોરોના કેસ સામે આવ્યા હતા. જ્યાં તંત્ર દ્વારા હાઈ-રિસ્ક નાગરિકોમાં કોરોના જાગૃતતા લાવવા માટેની કામગીરી હાથ ધરી છે.
આણંદ જિલ્લામાં નિસર્ગ વાવાઝોડાને લઈ NDRFની એક ટીમ રાલજ મંદિર ખાતે તૈનાત કરવામાં આવી છે. આ સાથે જ ખંભાત અને બોરસદના 15 ગામોને એલર્ટ કારવામાં આવ્યા છે. આણંદ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર હાલ સંભવિત વાવાઝોડા સામે સંપૂર્ણ તકેદારી સાથે સજ્જ બન્યું છે. ત્યારે વાવાઝોડાની અસર જિલ્લામાં વર્તાઈ હતી. જેથી જિલ્લામાં ઘણા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા વરસ્યા હતા. જેમાં આંકલાવ અને બોરસદ તાલુકાના વિવિધ વિસ્તારોમાં 20 એમેએમ વરસાદ પડયો હતો. હાલ વાવાઝોડાની દિશા બદલાતા આણંદ જિલ્લા પર સંકટ ટળ્યું છે. કમોસમી વરસાદથી કેરી, બાજરી અને લીલી શાકભાજીના પાકને વ્યાપક નુકસાન થયું છે.