આણંદઃસામાન્ય રીતે દૂધ કંપનીનું નામ આવે એટલે સૌથી પહેલા મોઢે અમૂલનું જ નામ આવે. અમૂલે તો પોતાનું સૂત્ર પણ એ જ રાખ્યું છે કે, અમૂલ દૂધ પીતા હૈ ઈન્ડિયા. પરંતુ આ અમૂલ જેવી સંસ્થાની સ્થાપના પાછળ શું કારણ હતું. તેમ જ શા માટે આ સંસ્થાની સ્થાપનાની જરૂર ઊભી થઈ. તો આવો જાણીએ અમૂલ સંસ્થા સાથે જોડાયેલી કેટલીક વાતો.
આ પણ વાંચોGCMMF AMUL Chairman : અમૂલમાં ફરી ચાલશે પટેલ અને હુંબલનું શાસન, ચેરમેન અને વાઈસ ચેરમેન પદે થઈ વરણી
શોષિત ખેડૂતો પહોંચ્યા હતા સરદાર પટેલ પાસેઃ વર્ષ 1940ના દાયકામાં દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા પશુપાલકોનો સતત ઓછી કિંમત આપી ને ગણ્યાંગાઠિયા વેપારીઓ શોષણ કરતા હોવાનું સામે આવ્યું હતું. આ અંગે પશુપાલકોએ ખેડૂતોના આગેવાન એવા સરદાર વલ્લભભાઈ પટેલને રજૂઆત કરી હતી. ત્યારે સાંપ્રત પરિસ્થિતિને અનુરૂપ સરદાર વલ્લભભાઈ પટેલે પશુપાલકોને પોતાની મંડળી શરૂ કરવા સલાહ આપી હતી.
સરદાર પટેલની અસરદાર સલાહઃ સરદાર પટેલની સલાહને ધ્યાનમાં રાખી વર્ષ 1945ના સમયમાં આણંદ અને આસપાસના વિસ્તારના પશુપાલકોએ કોન્ટ્રાકટરોને દૂધ ન આપવાનો સંકલ્પ કર્યો હતો. સાથે જ તેમની સલાહ મુજબ પોતાની સહકારી મંડળી બનાવવાના વિચાર સાથે આજની સૌથી મોટી સહકારી સંસ્થાનો પાયો નાખવાનું આયોજનની શરૂઆત થઈ હતી.
પશુપાલકોમાં જોવા મળ્યો હતો રોષઃ આપને જાણીને આશ્ચર્ય થશે કે, વર્ષ 1946માં સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજીભાઈ દેસાઈના પ્રમુખ પદે એક ખેડૂતોની મહાસભાનું આયોજન થયું હતું. તેમાં દૂધમાં થયેલા ભાવવધારાનો લાભ પશુપાલકોને ન મળતો હોવા મામલે ઊભા થયેલા રોષ સામે પશુપાલકોને એક થઈને પોતાનો સહકારી દૂધ ઉત્પાદક સંઘ સ્થાપવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમ જ સભાના અંતે દૂધ ઉત્પાદક મંડળીઓ અને જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ ડેરી સ્થાપવા અંગે નિર્ણય કરાયો અને તેના કારણે તારીખ 14 ડિસેમ્બર 1946ના રોજ અમૂલ ડેરીની સ્થાપના કરવામા આવી હતી. ને ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અસ્તિત્વમાં આવ્યો.
2 વ્યક્તિઓનો બહુમુલો ફાળોઃ અમૂલ ડેરી ક્રમશઃ વિકાસ પામતા આજે 18 જેટલા દૂધ સંઘો રાજ્યભરમાં સહકારિતાના માળખા અંતર્ગત કાર્યરત્ છે, જેનું વાર્ષિક સંયુક્ત ટર્નઑવર 60,000 કરોડ રૂપિયાને આંબી ગયું છે. ત્યારે આ ડેરી ક્ષેત્રના વિકાસમાં અન્ય 2 વ્યક્તિઓનો પણ બહુમુલો ફાળો રહેલો છે, જેમાં ત્રિભુવનદાસ પટેલ અને ડૉ. વર્ગિસ કુરિયનનો સમાવેશ થાય છે. રાજકીય અને સામાજિક મજબૂત પકડ ધરાવતા આગેવાન ત્રિભુવનદાસ પટેલનો અમૂલ સાથે પશુપાલકોએ જોડવામાં અને સહકારિતામા રહેલી શક્તિનો સભાસદોને વિશ્વાસ અપાવવામાં ત્રિભૂવનદાસ પટેલનો બહુમુલો ફાળો હતો.
વિશ્વ ફલક પર નવી ઓળખ ઊભી કરીઃ જ્યારે ડૉ. વર્ગીસ કુરિયન દ્વારા નવી ટેક્નોલોજી અને ડેરી વ્યવસાયને વધુ આધુનિક બનાવવા પાછ્ળની દિર્ઘ દ્રસ્ટીના સંયુક્ત પરિણામે આજે આ સંસ્થા વિશ્વ ફલક પર એક આગવી ઓળખ ઊભી કરવામાં સફળ બની છે. આના કારણે 36,00,000 રૂપિયા કરતા વધુ પરિવારોને આજીવિકાનું એક સ્ત્રોત મળી રહ્યો છે.
150થી વધુ પ્રોડક્ટની બજારમાં માગઃઆજે અમૂલ ડેરીમાં દૂધ સાથે દૂધના ઉત્પાદનોમાં પણ અજોડ ક્રાંતિ સર્જી છે, જેમાં અમૂલનું ચીઝ અને બટર વિશ્વમાં વખણાય છે. આ સાથે ફ્લેવર મિલ્ક, પનીર વિવિધ આઈસ્ક્રીમ, ચોકોલેટ સહિતની 150થી વધુ પ્રોડક્ટની બજારમાં સતત માગ વધ્યા કરે છે. આ સાથે અમૂલ કેટલફીડ અને ઓર્ગેનિક ખેતપેદાશો માટે પણ નોધપાત્ર ઉત્પાદન કરી રહ્યું છે, જે ગ્રાહકોમાં ગુણવત્તા અને વિશ્વાસ મેળવવામાં સફળ બન્યું છે.
1973માં GCMMFની સ્થાપના થઈઃ અમૂલના સતત થતા વિકાસને ધ્યાને લઈ વર્ષ 1973માં ગુજરાત કો. મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડની સંસ્થાની સ્થાપના કરી હતી, જેમાં કુલ 6 જેટલા જિલ્લા સંઘો દ્વારા અમુલ બ્રાન્ડ નેમ નીચે ઉત્પાદકના વેચાણ માટેની શરૂઆત કરવામા આવી હતી. અમૂલ શબ્દ સંસ્કૃતના અમૂલ્ય શબ્દ પરથી પસંદ કરવામા આવ્યો હોવાનું મનાય છે, જે અંગેજીમા AMUL (આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ)તરીકે પણ જાણીતી બન્યું હતું. GCMMF દ્વારા હાલ 18 સંઘોના દુધ ઉત્પાદનોના ખરીદ વેચાણની કામગીરી સંભાળવામા આવી રહી છે. હાલમાં આ સંસ્થાના ચેરમેન તરીકે સાબરકાઠા દૂધ ઉત્પાદન સંઘના ડિરેકટર શામળજી પટેલ સંભાળી રહ્યા છે.
30 વર્ષ સુધી ડો. વર્ગીસે સંભાળી હતી કમાનઃ આ સંસ્થાની સ્થાપનાથી સતત 30 વર્ષ સુધી ડો. વર્ગીસ કુરિયને આ સંસ્થાની કમાન સંભાળી હતી. તો GCMMF ભારતની સૌથી મોટી ખોરાક ઉત્પાદનોની માર્કેટિંગ સંસ્થા છે. તે ગુજરાત રાજ્ય સ્તરની દૂધ સહકારીની સર્વોચ્ચ શાખા છે, જે ખેડૂતો માટે લાભપ્રદ વળતર પૂરું પાડે છે અને એ પણ ઉત્પાદનો દ્વારા ગ્રાહકોને પોષાય અને તેમના હિતમાં ગુણવત્તા પૂરી પાડવાનો ધ્યેય રાખે છે. GCMMF અમૂલ બ્રાન્ડ અને બજારોની વ્યવસ્થા કરે છે.
અમલની બનાવટો 40 દેશોમાં ઉપલબ્ધઃસૌથી વધુ ડેરી પેદાશની નિકાસ માટે અમૂલ દેશમાં અગ્રેસર છે. અત્યારે અમૂલની બનાવટો વિશ્વના 40 દેશોમાં ઉપલબ્ધ છે. હાલમાં અમૂલ વિવિધ પ્રકારની પેદાશો જેવી કે, દૂધનો પાઉડર, પનીર, યુએચટી દૂધ, ઘી અને દેશી મિઠાઈ વગેરેની નિકાસ કરે છે. વિશ્વના મુખ્ય બજારોમાં અમેરીકા, વેસ્ટ ઇન્ડિઝ અને આફ્રિકા, ગલ્ફ પ્રાંત, સાર્ક અને પાડોશી દેશો, સિંગાપોર, ફિલિપિન્સ, થાઈલેન્ડ, જાપાન, અને ચાઈનાનો સમાવેશ કરી શકાય.
આ પણ વાંચોનવા વર્ષની શરૂઆતમાં અમૂલે આપી પશુપાલકોને ભેટ, દુધની ખરીદ કિંમતમાં વધારો
અમૂલ 75 વર્ષની કરી રહ્યું છે ઉજવણીઃ અમૂલ ડેરી તેની સ્થાપનાના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે હાલ તેના સંચાલનની કમાન રામસિંહ પરમાર સંભાળી રહ્યા છે, જેઓ સામાજિક આગેવાન અને મજબૂત રાજકીય છબી ધરવતા વ્યક્તિ છે. ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળી હાલ સંપૂર્ણ આધુનિક અને લેટેસ્ટ ટેકનોલોજીના ઉપયોગથી સજ્જ છે, જે દૈનિક અંદાજે 25,00,000 લિટર કરતા વધુ દુધનું એકત્રિકરણ કરી તેને પ્રોસેસ કરે છે.