- કોરોનાની મહામારી વચ્ચે ખંભાતમાં દોરી અને પતંગ નિર્માણના કાર્યમાં તેજી
- 30થી વધુ લોકો સક્રિય રીતે કાર્ય કરે છે
- લોકડાઉનમાં રો-મટીરિયલની અછત હતી
આણંદઃ ગત ઘણા મહિનાઓથી કોરોના મહામારી કહેર ચાલી રહ્યો છે. જેને લઇ તહેવારો સહિત ધંધા-રોજગારમાં પણ ભારે મંદીની અસર જોવા મળી રહી છે. હાલમાં ઉત્તરાયણને પર્વની 20 દિવસ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે ખંભાતમાં કોરોના મહામારી વચ્ચે પણ પતંગ તથા દોરીના નિર્માણ કાર્યમાં તેજીની અસર જોવા મળી રહી છે. આ અંગે પતંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા દિપક ચુનારાએ જણાવ્યું કે, લોકડાઉન વચ્ચે પણ તેમણે પતંગ નિર્માણની કામગીરી મોટા પાયે હાથ ધરી છે. જેમાં તેમના પરિવારના 30થી વધુ લોકો સક્રિય રીતે કાર્ય કરી પતંગ નિર્માણનું કાર્ય હાથ ધર્યું છે. લોકડાઉનમાં રો-મટીરિયલની અછત હતી. આમ છતાં પણ તેમની પાસે સ્ટોક હોવાને કારણે તેમણે 60થી 65 ટકા જેટલી પતંગો તૈયાર કરી દીધી છે. હાલમાં ગુજરાતના વિવિધ શહેરોમાં પાર્સલ તથા કુરિયર દ્વારા તેમની પતંગો ગુજરાતના વિવિધ સ્થળે વેચાઈ રહી છે.
લોકો તૈયાર મટીરિયલ પસંદ કરે છે
આ અંગે દોરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી પ્રકાશ કાછિયાએ જણાવ્યું કે, ચાલુ વર્ષે કોરોનાની પરિસ્થિતિ ધ્યાનમાં રાખી લોકો તૈયાર પાયેલી દોરી વધુ પસંદ કરી રહ્યા છે. કોરોનાના ભયને કારણે લોકો દોરી પીવડાવવા બેસવાનો આગ્રહ રાખતા નથી. તે તૈયાર મટીરિયલ પસંદ કરે છે. જેને લઇ તેમણે 1 મહિના અગાઉ દોરી પાઈને ફિરકીઓ બનાવવાનું શરૂ કરી દીધું છે. જેનું હાલમાં મોટાપાયે વેચાણ થઈ રહ્યું છે.