આણંદઃ જિલ્લાના આણંદ, તારાપુર, ઉમરેઠ અને બોરસદ તાલુકાના વિવિધ બાયો ડીઝલ પંપ પર બાયોઇંધણનું વેચાણ કરતા 12 જેટલા કેન્દ્રો પર તંત્ર દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આણંદ જિલ્લામાં બાયો-ઇંધણનું વેચાણ કરતા 12 જેટલા કેન્દ્રો પર તપાસ હાથ ધરાઈ આ ઘટના અંગે વિસ્તૃત માહિતી આપતા આણંદ જિલ્લા પુરવઠા અધિકારી આર.બી બામણિયાએ જણાવ્યું હતું કે, બાયોડિઝલના વેચાણને લઈ વેચાણ કેન્દ્રો દ્વારા રાખવામાં આવતી સલામતી અને સુરક્ષાના પરવાનાઓ મેળવ્યા છે કે કેમ તે અંગે તપાસ કમિટી બનાવી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આઈ.ઓ.સિ.એલ ના અધિકારી, પોલીસના જવાનો, પુરવઠા વિભાગના અધિકારી, મામલતદાર, સેલ ટેક્સના કર્મચારીઓ વગેરેને સાથે રાખી જિલ્લાના ચાર તાલુકાના બાયો ડીઝલ પમ્પ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. માલિકો દ્વારા જરૂરી લાઇસન્સ મેળવ્યા છે કે કેમ તથા વેચવામાં આવતા બાયોડિઝલની ગુણવત્તાની ચકાસણી કરવા સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 3 જેટલા પમ્પ પર કોઈ યોગ્ય પ્રતિસાદ ન મળતા તેને સિલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા બાયોડીઝલ આ વિચારને લઈને કોઈ ચોક્કસ નીતિનિયમો જાહેર કરવામાં આવ્યા નથી. બીજી તરફ પેટ્રોલિયમ પેદાશોનું વેચાણ સાથે સંકળાયેલા વેપારીઓના એસોસિએશન દ્વારા બાયો ડીઝલના થતાં વેચાણને લઈ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. જે બાદ આણંદ વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા ચેકીંગ બાદ અવેધરૂપે વેચાણ કરતા બાયોડિઝલના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.