- 244 જેટલી સ્કૂલોને ફાયર NOC લેવા જિલ્લા શિક્ષણાધિકારીએ હુકમ કર્યો
- 16મી એપ્રિલ પહેલા ફાયર NOC લેવા જણાવવામાં આવ્યું
- ગુજરાત હાઈકોર્ટે કરેલા ઓરલ ઓર્ડરમા નિર્દેશ આપ્યો હતો
- વડોદરાના રીઝનલ ફાયર ઓફિસર પાસેથી NOC લેવી પડશે
આણંદઃ ફાયર સેફ્ટીના સંદર્ભમાં ગુજરાતની વડી અદાલતમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જેમાં ગત 26મી ફેબ્રુઆરીના રોજ હાઈકોર્ટે કરેલો ઓરલ ઓર્ડરમા નિર્દેશ આપ્યો હતો કે, તમામ શાળાઓમાં બીયુ પરમિશન, ફાયર NOC લેવી ફરજિયાત છે. આ જાહેર હિતની અરજીની આગામી વધુ સુનાવણી 16મી એપ્રિલે છે. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ મુદ્દત પહેલા તમામ ગ્રાન્ટેડ સ્કૂલો તેમજ નોન ગ્રાન્ટેડ સ્કૂલોએ ફાયર NOC તથા બીયુ પરમિશન મેળવી ના હોય તો મેળવવા માટેની કાર્યવાહી સત્વરે પૂર્ણ કરવા માટે તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને એક પત્ર પાઠવ્યો છે.
આ પણ વાંચોઃ NOC વગરની બિલ્ડીંગને સીલ મારતું ગાંધીનગર ફાયર વિભાગ
ફાયર સેફ્ટિના સાધનોની વ્યવસ્થા કરાઈ
આ પત્ર મળતાં તમામ સ્કુલ દ્વારા બીયુ પરમિશન અને ફાયર NOC મેળવવા માટેની તજવીજ હાથ ધરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લામાં વિવિધ મંડળો અને સંસ્થાઓ દ્વારા પોતાના ખર્ચે પાઈપલાઈનવાળી ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરી છે, સરકારી સ્કૂલો દ્વારા બોટલરૂપી પ્રાથમિક આગ ઓલવવાના સાધનો વિકસાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
બીયુ પરમિશન તેમજ ફાયરની NOC વડોદરા અવકુડાના રીઝનલ ફાયર ઓફિસર પાસેથી લેવાની છેઃ શિક્ષણાધિકારી જે. ડી. પટેલ
આણંદના જિલ્લા શિક્ષણાધિકારી જે. ડી. પટેલે જણાવ્યું હતુ કે, બીયુ પરમિશન તેમજ ફાયરની NOC વડોદરા અવકુડાના રીઝનલ ફાયર ઓફિસર પાસેથી લેવાની છે જે અંગે તમામ સ્કૂલોને કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. જિલ્લામાં 220 ગ્રાન્ટેડ, 15 સરકારી અને 109 નોન ગ્રાન્ટેડ સ્કૂલો છે. ગ્રાન્ડેટ અને નોન ગ્રાન્ટેડ સ્કૂલોની ફાયર NOC સ્કૂલો ચલાવતા જે તે મંડળો કે સંસ્થાએ લેવાની રહે છે, જ્યારે સરકારી સ્કૂલોની ફાયર NOC લેવાની જવાબદારી સરકારની છે. જિલ્લાની તમામ સરકારી સ્કૂલોમાં ફાયર એક્ટીગ્યુસર અથવા સ્ટેન્ડ બકેટ ગોઠવી દેવામાં આવ્યા છે. જો કે હજી સુધી એકપણ શાળાને ફાયર NOC મળી નથી. જે મેળવવા માટેની કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે તેમ તેઓએ વધુમાં જણાવ્યું છે.