- નગરપાલિકાના કાઉન્સિલરની અનોખી પહેલ
- ઓનલાઇન પ્લેટફોર્મ થકી સ્થાનિકો ને પહોંચાડે છે મદદ
- ડિજિટલ પ્લેટફોમ થકી જાણે છે સ્થાનિક સમસ્યાઓ અંગે
આણંદ: જિલ્લા નગરપાલિકામાં પ્રથમ વખત વોર્ડ નંબર 8 માંથી કાઉન્સિલર તરીકે વિજેતા બનેલા નીલ પટેલએ ડિજિટલ પ્લેટફોર્મ થકી વોર્ડ ના સ્થાનિકો માટે પોતાને પડતી સમસ્યાને તંત્ર સુધી પહોંચાડતું એક માધ્યમ પૂરું પાડ્યું છે, આણંદના વોર્ડ 8 ના રહેવાસીઓ માટે શરૂ કરવામાં આવેલ આ માધ્યમ થકી અત્યાર સુધી 35 કરતા વધારે સ્થાનિક સમસ્યાઓ લોકોએ નગરપાલિકા સુધી પહોંચાડી છે,વર્તમાન કોરોના મહામારીના કારણે લોકો ને નગરપાલિકા સુધી જવાની જરૂર નહીં પડે અને તેનાથી નગરપાલિકામાં અરજદારોની જામતી ભીડમાં પણ ઘટાડો કરી શકાય છે.
જનતા પોતાની સમસ્યાઓ અંગે કરી શકશે રજૂઆત
ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં નીલ પટેલએ જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં સંક્રમણને વધતું રોકવા અને પ્રજાની સમસ્યાઓની રજુઆત માટે લાગુ પડતા વિભાગમાં અરજી કરવાંથી છુટકારો મળે છે. વૉર્ડ 8ના નાગરિકો ને સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો થકી આ સુવિધા અંગે અવગત કરવામાં આવ્યા હતા, જે બાદ પ્રજાએ નાની મોટી સમસ્યા માટે ઓનલાઇન રજુઆત કરી હતી, જેમાં મુખ્યત્વે સ્ટ્રીટ લાઈટના પ્રશ્નો પાણીની સમસ્યા, રસ્તા અને ગટર અંગે ની રજૂઆતો, સફાઈ અને સેનિટેશનને લગતી સમસ્યાઓ અંગે લોકો રજુઆત કરતા હોય છે. જેમાં જરૂરી વિભાગો ને જાણ કરી સમસ્યાના નિરાકરણ માટે સૂચનો કરવામાં આવે છે જે રજુઆતમાં નગરપાલિકાના કમિટીના નિર્ણયોની જરૂર જણાય તે લાગુ પડતા કમિટી ને ધ્યાને મુકવામાં આવે છે જે અંગે વિચારણા બાદ નિર્ણય લેવામાં આવતો હોવાની જાણકારી નીલ પટેલે આપી હતી.