- ખંભાતમાં હવે ભાજપની બોડી બનશે
- અપક્ષ ચૂંટાયેલા ચારેય ઉમેદવારોએ ભાજપને ટેકો જાહેર કર્યો
- ખંભાત નગરપાલિકાની 36 બેઠકો માટે 110થી વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી
આણંદઃખંભાત નગરપાલિકાની 36 બેઠકો માટે 110થી વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ખંભાત નગરપાલિકામાં ભાજપને 18 બેઠકો પ્રાપ્ત થતા સત્તા હાંસલ કરવા માટે ભાજપાને અપક્ષના ટેકાની જરૂર પડી હતી. 18 બેઠકો પ્રાપ્ત થતા સત્તા હાંસલ કરવા ફરજીયાત અપક્ષનો સહારો લેવો પડે તેવી સ્થિતિ ઉભી થઇ હતી. જ્યારે કોંગ્રેસને 13 બેઠકો પ્રાપ્ત થઇ હોવાથી કોંગ્રેસ જો 4 અપક્ષ અને 1 આપનો સહારો મેળવે તો પણ ભાજપા સામે માત્ર બરાબરી કરવા 18 બેઠકો જ પ્રાપ્ત થાય. જેને લઈ કોંગ્રેસ માટે સત્તા સ્થાપવી અસમર્થ હતી. આવી પરિસ્થિતિમાં અપક્ષના 4 ઉમેદવારોએ ભાજપને ટેકો જાહેર કરતા ભાજપને 22 બેઠકો સાથે સંપૂર્ણ બહુમતી પ્રાપ્ત થઇ છે. જેને લઇ હવે ખંભાતમાં ભાજપ નગરપાલિકામાં સત્તા પર આવશે.
અપક્ષના ઉમેદવારોએ ટેકો જાહેર કરતા ખંભાતમાં ભાજપની બોડી બનશે ખંભાતમાં ભાજપની બોડી બનશે
ખંભાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નગરપાલિકા ચૂંટણીમાં ભારે રસાકસી જામી હોઇ ચૂંટણી પરિણામમાં ભાજપને 18 બેઠકો પ્રાપ્ત થઈ છે. જો કે, બહુમતી પ્રાપ્ત કરવા માટે ભાજપને 19 બેઠકો જરૂરી હોઈ ભાજપ માટે અપક્ષનો સહારો લેવોએ જરૂરી બન્યું હતું. જેને લઇ શહેરમાં ગવારા ટાવર ખાતે ધારાસભ્ય મયુર રાવલ શહેર ભાજપ પ્રમુખ પીનાકીન બ્રહ્મભટ્ટ, ન.પા.ના પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાય તથા યુવા કાઉન્સીલર રાજભાની હાજરીમાં નગરપાલિકામાં અપક્ષ ચૂંટાયેલા કાઉન્સિલર ભુપત પટેલ,જીતેન્દ્ર ખારવા, શાંતિ માછી અને ગીતા રાણા તમામે ભારતીય જનતા પાર્ટીને બિનશરતી સમર્થન જાહેર કરી વડાપ્રધાન મોદી, મુખ્યપ્રધાન રૂપાણીના વિકાસ મંત્ર સૌનો સાથ ,સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ તેમજ નગરપાલિકાને મજબૂત બનાવવાનો નિર્ણય કર્યો હતો. ધારાસભ્ય અને ભાજપાએ તેમના આ નિર્ણયને આવકારી સન્માન કર્યું હતુ.
ખંભાતમાં પ્રમુખ અને ઉપપ્રમુખનો તાજ કોના શિરે તે જોવું રહ્યું!!!
ખંભાતમાં નગરપાલિકામાં પ્રમુખ માટે સામાન્ય સ્ત્રી અનામત સીટ હોઇ હાલમાં ત્રણ મહિલાઓ તેના માટે દાવેદારી કરી રહી છે. જોકે બીજી તરફ એક્ઝિક્યુટીવ કમિટી ચેરમેન માટે ભાજપામાં સૌથી વધુ વોટથી વિજેતા બનેલા રાજભા દરબાર પણ દાવેદારી કરી રહ્યા છે. હવે જોવું રહ્યું કે, પાર્ટી કોને પ્રમુખનો તાજ પહેરાવે છે અને કોને એક્ઝિક્યુટીવ કમિટીનો કાર્યભાર સોંપે છે?