- ખંભાત નગરપાલિકાની ચૂંટણીમાં ક્યાંક જ્ઞાતિવાદ તો ક્યાંક પરિવારવાદ દેખાયો
- નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી થતા કહી ખુશી કહી ગમની સ્થિતિ સર્જાઈ
- પક્ષ પલટો કરીને ભાજપમાં આવનારા નેતાને ટિકિટ મળતા પક્ષના અનેક કાર્યકરોમાં નારાજગી
આણંદ: ખંભાત નગરપાલિકાની 9 બેઠકો માટે શહેરના 128થી વધુ લોકોએ ઉમેદવારી નોંધાવી હતી. જોકે ભાજપે આજે ગુરુવારે 36 ઉમેદવારોના નામો જાહેર કરતા ખંભાત શહેરમાં કહી ખુશી કહી ગમની સ્થિતિ સર્જાઈ છે. જોકે પાટીલની નવી પોલિસી મુજબ ખંભાત શહેરમાંથી 10થી વધુ નામો કપાતા તેમને પરિવારના અન્ય સદસ્યોના નામે ટિકિટો મેળવવા મરણિયા પ્રયાસ હાથ ધર્યા હતા, જોકે આમાંના કેટલાય નેતાઓ ઉચ્ચ વર્ગ ધરાવતા હોઇ એમના પરિવારના સદસ્યોને ટિકિટ મેળવવા સફળતા મળી છે. જ્યારે શહેરના અનેક વૉર્ડમાં જ્ઞાતિવાદ પણ જોવા મળ્યો છે. માત્ર બ્રાહ્મણ જ્ઞાતિના 36માંથી પાંચ કાઉન્સલરો હોઈ, શહેરમાં આ બાબતે પણ ભારે નારાજગી જોવા મળી છે, જ્યારે વૉર્ડ નંબર 8માં કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો કરી ઉમેદવારી નોંધાવતા કાર્યકરને ટિકિટ ફળવાતા વર્ષોથી પાયાના કાર્યકરોની બાદબાકી થતા ભાજપાના સ્થાનિક લેવલે મોટા ડખા થયા હોવાનું પણ જાણવા મળેલું છે. જેને લઈને અનેક જ્ઞાતિઓના લોકોએ ચૂંટણી બહિષ્કાર કે પાર્ટીને તિલાંજલિ કે પછી નોટા બટન પસંદગી માટેના મેસેજો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે.
વફાદાર પાયાના કાર્યકરોની ટિકિટો કપાઈ
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ ખંભાતમાં સ્થાનિક રાજકારણમાં ભારે રસાકસી હોય તેમજ પાર્ટીને નવી નીતિને કારણે વર્ષોથી પક્ષને વફાદાર પાયાના કાર્યકરોની ટિકિટો કપાઈ છે, જ્યારે બીજી તરફ ટિકિટ કપાતા નેતાઓના પરિવારજનો કે સ્નેહીજનોને ઉમેદવારી નોંધાવી હતી. જોકે ખંભાતમાં ધારાસભ્ય તથા પાલિકા પ્રમુખ બ્રાહ્મણ જ્ઞાતિના હોવાથી તેમણે 36માંથી 5 બ્રાહ્મણોને ટિકિટ ફાળવી છે, જ્યારે વૉર્ડ નંબર 1માં નિતાબેન રમેશકુમાર રાવલ વૉર્ડ નંબર 2માં મનીષકુમાર બેચરલાલ ઉપાધ્યાય વૉર્ડ નંબર 3માં સોનલબેન નીતિન કુમાર જોશી વૉર્ડ નંબર 4માં શર્મિષ્ઠાબેન પંકજકુમાર આચાર્ય તથા વૉર્ડ નંબર 9માં કલ્પેશકુમાર કમલ કિશોર પંડિતનો સમાવેશ થાય છે. 36માંથી 5 ઉમેદવારો બ્રાહ્મણ જ્ઞાતિના હોઈ શહેરમાં ચર્ચાઓ ચાલી રહી છે. જ્યારે બીજી તરફ ભાજપના નેતાઓની ટિકિટ કપાતા તેમના પરિવારજનોને ટિકિટ માટે ફાળવણી કરી છે. જેમાં વૉર્ડ નંબર 2માં નગરપાલિકા પ્રમુખ યોગેશ ઉપાધ્યાયની ટિકિટ કપાતા તેના ભાઇ મનીશ ઉપાધ્યાય વૉર્ડ નંબર 3માં ઉદેલ ગામના માજી સરપંચ ચીમન પટેલના પુત્ર નિલેશ પટેલની ટિકિટ માટે ફાળવણી કરાઈ છે, જ્યારે વોર્ડ નંબર 7માં પૂર્વ પાલિકા પ્રમુખ હિરેન ગાંધીની ટિકિટ કપાતા તેમના ધર્મપત્ની કામિની હિરેનકુમાર ગાંધીની પસંદગી કરવામાં આવી છે, જ્યારે વૉર્ડ નંબર 9ના પૂર્વ પાલિકા પ્રમુખ રોહિત ખારવાની ધર્મપત્ની જશોદાબેન ખારવાની પસંદગી કરાઈ છે, જ્યારે બીજી તરફ વૉર્ડ નંબર 8માં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગ્વિજયસિંહ પરમાર જે 15 દિવસ અગાઉ વિધિવત રીતે ભાજપામાં જોડાતા અને તેમને તાત્કાલિક ટિકિટની ફાળવણી કરતા વર્ષોથી પાયાના કાર્યકરોની અવગણના થતા ત્યાં પણ નારાજગી જોવા મળી છે. જોકે ટિકિટ ફાળવણી બાબતે શહેરમાં કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ સર્જાઈ છે.
સોશિયલ મીડિયા પર વિવિધ મેસેજ વાયરલ થયા
ખંભાત નગરપાલિકા વર્ષોથી ભાજપાના સર રહી છે, ત્યારે આજે ગુરૂવારે 36 બેઠકો માટે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થતા ખંભાતના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. યુવા વર્ગ દ્વારા સોશિયલ મીડિયાના ફેસબુક અને વોટ્સએપના માધ્યમથી દ્વારા વિવિધ પ્રકારના મેસેજ વાયરલ કરી ક્યાંક ખુશી તો ક્યાંક નારાજગી પણ વ્યક્ત કરવામાં આવી છે.