આણંદ: તારાપુર તાલુકામાં ભારે વરસાદના પગલે મહિયારી ગામની આસપાસ આશરે પાંચ હજાર વિઘાથી વધુ જમીનમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. જેથી આ વિસ્તારનો ડાંગરનો પાક બોરાણમાં ગયો છે. ખેડૂતોને આસમાની મહેર મુસીબત સમી સાબિત થઇ રહી છે.
આણંદના તારાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ખેતરોનો પાક બોરાણમાં ગયો - ધોધમાર વરસાદ
રાજ્યમાં આ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આણંદ જિલ્લાના તારાપુર અને સોજીત્રા તાલુકામાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજા મુશળધાર વરસી રહ્યાં છે. જેના કારણે વરસાદી પાણી તારાપુર અને સોજીત્રા વિસ્તારના ખેતરમાં ભરાઈ જતાં ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો હતો.
જિલ્લાના ઉપરવાસના વિસ્તારોમાંથી વરસાદી પાણી તારાપુરના ગ્રામ્ય વિસ્તારમાંથી ખંભાતના અખાતમાં પહોંચતું હોય છે, ત્યારે ઉપરવાસમાં થયેલા વરસાદ સાથે તારાપુર અને સોજીત્રા સાથે ખંભાત વિસ્તારમાં પણ છેલ્લા ચાર દિવસમાં ભારે વરસાદ વરસતા, સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિનું સર્જન થયું હતું. સાથે જ સમગ્ર વિસ્તાર બેટમાં પરિવર્તિત થયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
ઉલ્લેખનીય છે કે, વરસાદી પાણીમાં તરબોળ બનેલા ખેતરોમાં ડાંગરના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, તંત્ર દ્વારા આ વિસ્તારમાં ભરાયેલા પાણીનો નિકાલ સત્વરે કરે તો ધરતીપુત્રોને પહોંચનાર નુકસાનીમાં રાહત મળી શકેશે.