સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવની ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉત્સવમાં ગણેશજીની સ્થાપના કરી તેમની સેવા પૂજા કરવામાં આવે છે અને ત્યારબાદ વાજતેગાજતે તેમનું વિસર્જન કરવામાં આવે છે. સામાન્ય રીતે મોટા ભાગના ગણેશજીની પ્રતિમા આજકાલ પ્લાસ્ટર ઓફ પેરિસની બનેલી વધુ જોવા મળતી હોય છે. જેના ગુણધર્મો અને તેમાં રહેલા કેમિકલ યુક્ત પદાર્થો પર્યાવરણ અને જળચર જીવ સૃષ્ટિ માટે હાનિકારક સાબિત થાય છે.
આવા સંજોગોમાં વિદ્યાનગરમાં આવેલી એક રાષ્ટ્રીય અંધજન મંડળના દિવ્યાંગ બાળકો દ્વારા સમાજને પ્રેરણા આપે તેવી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. જે વ્યક્તિઓ એ પ્રકૃતિને જોઈ નથી જેમને રંગો અને આકારને જોયા નથી જે માત્ર પર્યાવરણને અનુભવી શકે છે. તેવા દિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણને લાભદાયક ગણેશજીની 200 કિલોગ્રામ ફટકડીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે.
200 કિલો ફટકડીમાંથી બનાવી ગણેશની પ્રતિમા રાષ્ટ્રીય અંધજન મંડળ વિદ્યાનગરના સ્થાપક સુધાબેન પટેલ જે આણંદ જિલ્લાના ચાંગા ગામના દુનિયાના પ્રથમ પ્રજ્ઞાચક્ષુ યુવા મહિલા સરપંચ હતા સુધાબેન કાયમ કઈક અલગ અને સમાજ માટે ઉપયોગી કામગીરી કરવામાં વધુ રસ ધરાવતા હોય છે. આ ગણેશ મહોત્સવમાં પર્યાવરણને અને પાણીને લાભદાયક ફટકડીના ગણેશની સ્થાપના કરી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
સુધાબેને જણાવ્યું હતું કે, સમાજમાં જાગૃત્તા લાવવાની જરૂર છે. સરકારને સહકાર આપવાની જરૂર છે, આસ્થા સાથે પર્યાવરણની રક્ષણ કરવું તે પણ આપણી જ જવાબદારી છે. જે પ્રકૃતિના જતનની ફરજ દિવ્યાંગ બાળકોએ નિભાવી તેનો તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.
સુધાબેન દ્વારા સ્થાપિત કરવામાં આવેલા 200 કિલોના ફટકડીના ગણેશજીની પ્રતિમાની વિશેષતાએ છે કે, સમગ્ર ગુજરાતમાં ફક્ત આવી 6 જ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. મૂર્તિના આકારમાં શ્રીનાથજીની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. જેના દેશમાં રહેલા 60 કિલોગ્રામ ફટકડીમાંથી બનાવવામાં આવ્યો છે અને શ્રીજીનો આકાર આપવા માટે 140 કિલોગ્રામ જેટલી ફટકડીનો ઉપયોગ થયો છે. સામાન્ય રીતે ફટકડીના ગુણધર્મો પાણીને શુદ્ધ કરવા માટે લાભદાયી છે. અંદાજીત 12 હજાર રૂપિયા જેટલી રકમમાં તૈયાર થયેલા આ 200 કિલોની ગણેશની પ્રતિમા વિસર્જન બાદ પર્યાવરણને હાનિ પહોંચાડવાની બદલે પાણીનું શુદ્ધિકરણ કરી તેમાં રહેલાં બેક્ટેરિયા અને અશુદ્ધિઓને દૂર કરશે જેથી પર્યાવરણની રક્ષા માટે એક અનોખું યોગદાન મળી રહેશે.