- NDDBને સોંપવામાં આવેલ WAMULના મેનેજમેન્ટને વધુ 5 વર્ષ માટે લંબાવતી આસામ સરકાર
- NDDB ચેરમેન મીનેશ શાહ આસામના મુખ્યપ્રધાન ડૉ.હેમંતા બીસ્વા સરમાને મળ્યાં હતાં
- એમ્બ્રીયો ટ્રાન્સફર ટેકનોલોજી થકી પશુઓની દૂધ ઉત્પાદકતા વધારવા મુખ્યપ્રધાને ધરાવ્યો હતો રસ
- દૂધ ઉત્પાદક પરિવારના હિતનું રક્ષણ કરવા NDDB ને હસ્તક્ષેપ કરવા કરી અપીલ
આણંદઃ ડૉ. સરમાએ આસામમાં ડેરી સંસ્થાઓમાં આગામી વૃદ્ધિની આગાહી કરી હતી. મુખ્યપ્રધાન ડૉ. હેમંતા બીસ્વા સરમાએ ડેરીના આંતરમાળખાંને વિકસાવવામાં અને સેક્સ સોર્ટેડ સીમેન અને એમ્બ્રીયો ટ્રાન્સફર ટેકનોલોજી મારફતે દૂધાળા પશુઓમાં ઉત્પાદકતા વધારવાના નવીન માર્ગો અપનાવવામાં ઊંડો રસ દાખવ્યો હતો. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, NDDBનો હસ્તક્ષેપ અસામના ગ્રામીણ દૂધ ઉત્પાદકોના હિતોનું રક્ષણ કરશે અને ગ્રામીણ પરિવારોમાં ખૂજ જરૂરી પરિવર્તન લાવશે.
ગ્રામીણ અર્થતંત્રને પ્રોત્સાહન આપવાના રોડમેપની રચના અંગે ચર્ચા
NDDBના ચેરમેને આસામની ડેરી સંસ્થાઓને આવશ્યક સમર્થન પૂરું પાડવાની ખાતરી આપી હતી, જેથી કરીને તેઓ તેમના સભ્યોને વધુ સારી રીતે સેવા પૂરી પાડી શકે. NDDB અને તેની સહાયક સંસ્થાઓ પહેલેથી જ આસામમાં પશુપાલનના વિકાસની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે. જે સંસ્થાઓ સહકારી વ્યવસ્થાના મૂલ્યોને વળગી રહી છે, તેને NDDB હંમેશા સમર્થન પૂરું પાડવા માટે કટિબદ્ધ છે. આ ઉપરાંત, મીનેશ શાહ આસામ સરકારના કૃષિ, બાગાયતી, પશુપાલન અને પશુચિકિત્સા, સરહદી વિસ્તારના વિકાસ, અસામ એકોર્ડના અમલીકરણ તથા સહકાર બાબતોના પ્રધાન અતુલ બોરાને પણ મળ્યાં હતાં અને પશુપાલનના વિકાસના વિવિધ પાસાંઓ અંગે તથા ગ્રામીણ અર્થતંત્રને પ્રોત્સાહન આપવાના રોડમેપની રચના કરવા અંગે ચર્ચા કરી હતી.
NDDBએ વર્ષ 2008માં WAMUL મેનેજમેન્ટ પોતાના હાથમાં લીધું હતું
આસામ સરકારે NDDBને બંધ થવાને આરે આવી ગયેલા વેસ્ટ અસમ કૉઑપરેટિવ મિલ્ક યુનિયન (WAMUL)નું વ્યવસ્થાપન કરવાની વિનંતી કરી હતી. ઉલ્લેખનીય છે કે, NDDBએ વર્ષ 2008માં તેનું મેનેજમેન્ટ પોતાના હાથમાં લીધું હતું. દૂધ સહકારી મંડળીઓને પુનઃસ્થાપિત/પુનરુત્થાન કરવામાં NDDBના હસ્તક્ષેપની અસરોને ધ્યાનમાં રાખી અસમ સરકારે NDDBને સોંપેલા WAMULના મેનેજમેન્ટને વધુ 5 વર્ષના સમયગાળા માટે લંબાવ્યું છે. આ સંબંધે થયેલ કરાર પર 6 ઑગસ્ટ, 2021ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં.