આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં આવેલ સમૃદ્ધ ગામ એટલે કે ધર્મજ...ધર્મજમાં આમ તો ગ્રામ પંચાયત છે પરંતુ આ ગામની સુવિધાઓ કોઈ મહાનગરપાલિકાથી કમ નથી. ગામનું પોતાનું વોટરપાર્ક છે. ફરવા માટે રમણીય બાગ બગીચા છે. શહેરમાં જિમ અને યોગા સેન્ટર જેવી સ્વાસ્થ્ય સંબંધિત પ્રવૃત્તિઓ માટે સંપૂર્ણ સુવિધા સભર પરિસર આવેલા છે.
વિદેશમાં વસવાટ કરી દેશમાં નિવેશ કરવાની ધર્મજની વર્ષો જૂની પ્રણાલી છે. તેથી જ નાનકડા એવા ધર્મજ ગામમાં દેશની અગ્રણી બેંકોને તેમની બ્રાન્ચ ખોલવી પડે છે. ધર્મજમાં 12 રાષ્ટ્રીયકૃત બેંકો આવેલી છે તથા અનેક પ્રાઇવેટ બેંકો પણ ધર્મજમાં તેમના બ્રાન્ચ ખોલીને ધર્મજ વાસીઓને સેવા આપી રહી છે. જેમાં આંધળો વિશ્વાસ કરી ધર્મજ વાસીઓ લાખો રૂપિયાની થાપણ મૂકી દેતા હોય છે.
થોડાક સમય પહેલા ધર્મજમાં આવી જ એક ખાનગી કંપનીને મળતાવડા નામ સાથે બેંક ખોલી હતી. ધર્મજમાં કોટક સિક્યોરિટીઝના નામે ઓફિસ ચાલુ કરી ધર્મજ વાસીઓને ચૂનો લગાવ્યો છે. જી હા...કનકસિંહ નામના વ્યક્તિ દ્વારા અંદાજિત દોઢ માસ અગાઉ ધર્મજમાં કોટક સિક્યુરિટીઝના નામેઓફિસ ચાલુ કરી ધર્મજના જ બે યુવાનોને રોજગારી આપી ગામ વાસીઓનો વિશ્વાસ જીત્યો હતો. બાદમાં ગામમાંથી ફિક્સ ડિપોઝીટના નામે નાણાં એકત્ર કરવાના શરૂ કર્યા હતા. ઊંચા વ્યાજદરની લાલચ આપી ગામલોકોને વિશ્વાસમાં લઈ આ ભેજાબાજે ખૂબ જ ટૂંકા ગાળામાં NRI કુટુંબો પાસેથી લાખો રૂપિયા થાપણ પેઠે સ્વીકાર્યા હતા.