આણંદ : અનુપમ મિશનના મોગરી સ્થિત કેન્દ્રમાં સંપૂર્ણ હાયજેનિક સ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવીને સેંકડો સંતો-સ્વયંસેવકો દ્વારા રસોઈ, ફૂડ પેકેટ્સ આદિ તૈયાર થાય છે. ત્યારબાદ તેનું સુનિયોજિત વિતરણ કરવામાં આવી રહ્યું છે.
અનુપમ મિશન દ્વારા દરરોજ રસોઈ તૈયાર કરી સ્થાનિક મોગરી ગામના ગરીબ અને જરૂરિયાતમંદ ૧૦૦૦ જેટલી વ્યક્તિઓને તે પહોંચાડવામાં આવે છે. વળી, અનુપમ મિશનના સંતોનાં માર્ગદર્શને સ્વયંસેવકો દ્વારા 1000થી વધુ ઘરોમાં લીલાં તાજા શાકભાજીની બેગો પણ આપવામાં આવી છે.
લૉકડાઉનનાં આ કપરા સમયમાં રોજીંદા જીવનની જરૂરિયાત પૂરી થઈ શકે તેવા પ્રયત્નો અનુપમ મિશનનાં સંતો અને સ્વયંસેવકો સતત કરી રહ્યા છે. તદુપરાંત, નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારનાં 35થી વધુ અંતરિયાળ ગામોમાં તકલીફમાં મુકાયેલ પ્રત્યેક વ્યક્તિ સુધી રાશન, મેડિકલ કિટ અને રોજિંદા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની હજારો કિટ પહોંચાડવાનું માનવતાનું કાર્ય પણ સુપેરે થઈ રહ્યું છે.
'જનસેવા એ જ પ્રભુસેવા છે’ એ ભાવનાથી વિશ્વવ્યાપી આ સંકટના સમયે અનુપમ મિશનના માધ્યમથી ગુરુવર્ય સંતભગવંત સાહેબ જેવા પરમાર્થી સત્પુરુષની અનુકંપા છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે. આ મહામારીનો દોર સત્વરે પૂર્ણ થાય અને દૈવી પ્રકાશ સર્વત્ર રેલાય તેવી પ્રાર્થનાઓ પણ અનુપમ મિશનના સૌ સંતો દ્વારા સતત વહી રહી છે.