- રાજકોટની આગની ઘટના બાદ આણંદમાં તંત્ર જાગ્યું
- કોવિડ હોસ્પિટલોમાં તપાસનો ધમધમાટ
- વીજ વિભાગ, આરોગ્ય વિભાગ અને ફાયર વિભાગની સંયુક્ત કામગીરી
- ચેકિંગના પગલે સંચાલકો થયા દોડતા
આણંદ: રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં બનેલી આગની ઘટના બાદ આણંદ જિલ્લામાં તંત્ર દ્વારા તમામ કોવિડ હોસ્પિટલોમાં સરપ્રાઈઝ ચેકીંગનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં શહેરની જાણીતી હોસ્પિટલોમાં આરોગ્ય વિભાગ, ફાયર વિભાગ તથા મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના અધિકારીઓ દ્વારા સંયુક્તપણે કામગીરી કરવામાં આવી હતી.
રાજકોટ આગકાંડને લીધે આણંદમાં જાગ્યું તંત્ર હોસ્પિટલોમાં દર્દીઓની સલામતી મુદ્દે કરાઇ તપાસ આણંદ શહેરમાં 5 જેટલી કોવિડ ડેઝીગનેટેડ હોસ્પિટલમાં શનિવાર સવારથી જ આરોગ્ય વિભાગ, આણંદ ફાયર વિભાગ તથા એમજીવીસીએલના કર્મચારીઓ દ્વારા વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી જેમાં હોસ્પિટલના કોવિડ બોર્ડની તથા સારવાર લઈ રહેલા દર્દીઓની સલામતી અંગેના મુદ્દા ઉપર ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આણંદ ટુ સ્ક્વેર હોસ્પિટલ જેવી ખાનગી હોસ્પિટલોમાં પણ ટીમે હાથ ધરેલી સરપ્રાઇઝ ચેકિંગને લીધે હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા દોડધામ મચી જવા પામી હતી. ઉલ્લેખનીય છે કે જ્યારે કોઈ આવી દુર્ઘટના ઘટે છે ત્યારે તંત્ર દોડતું બને છે, નાગરિકોના જીવ સામે જોખમ ઉભું થયા બાદ આવી કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ તંત્ર દ્વારા દર્દીઓની સુરક્ષાનું વિચારી જો પાણી પહેલાં જ પાળ બાંધવામાં આવી હોત તો આવી અનેક ઘટનાઓ બનતી અટકાવી શકાઇ હોત.
રાજકોટ આગકાંડને લીધે આણંદમાં જાગ્યું તંત્ર, કોવિડ હોસ્પિટલોમાં સરપ્રાઈઝ ચેકીંગ