આણંદ: કોરોના મહામારીના આ સમયગાળામાં લોકો જ્યાં હોમિયોપથી અને આયુર્વેદના ઉપચારો તરફ વળ્યા છે ત્યાં રોગપ્રતિકારક શક્તિ વધારવાના પણ અવનવા ઉપાયો લોકો દ્વારા અજમાવવામાં આવી રહ્યા છે. આણંદના બોરીયાવી ગામના દેવેશભાઈ પટેલ પોતાની આગવી સમજ અને કૌશલ્યથી ઓર્ગેનિક હળદર અને આદુની ખેતી કરી ઉત્તમ આવક મેળવી રહ્યા છે, પોતે કમ્પ્યુટર એન્જીનીયરીંગની ડીગ્રી ધરાવતા દેવેશભાઈ પટેલે સદીઓથી રોગપ્રતિકારક શક્તિ વધારવાનો અક્સીર ઇલાજ ગણાતી હળદરમાંથી કેપ્સ્યુલ બનાવી તેનું સીધુ વેચાણ કરી રહ્યા છે.
આણંદના આ ખેડૂતે કોરોના સામે લડવા બનાવી ઈમ્યુનિટી બુસ્ટર કેપસ્યુલ દેવેશભાઈએ તેમની પાંત્રીસ વીઘા જમીનમાં ઓર્ગેનિક પદ્ધતિથી ઉગાડેલી હળદરની દેશ-વિદેશમાં અનેકગણી માગ રહે છે. કારણકે તેઓ આ હળદરને સીધી બજારમાં વેચતા નથી, પરંતુ તેના પર નજીવી પ્રોસેસ કરી તેમાં મૂલ્યવર્ધન કરે છે. દેવેશભાઈ દ્વારા બનાવાયેલી આ હળદરની કેપ્સ્યુલની યુરોપના દેશોમાં નિકાસ કરવામાં આવે છે જેના દ્વારા કોરોના મહામારીમાં લોકોને તેમની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે મદદ મળે છે.
દેવેશભાઈ ઓર્ગેનિક પદ્ધતિથી ગાય આધારિત ખેતી કરે છે જેમાં રાસાયણિક ખાતર કે દવાનો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી. જેના કારણે આ હળદરની ગુણવત્તા પણ ખૂબ જ સારી હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશની જનતાને આત્મનિર્ભર બનવાનું આહ્વાન કરવામાં આવ્યું છે ત્યારે દેવેશભાઈએ પણ તમામ ખેડૂતોને આત્મનિર્ભર બનવા માટે તેમના ઉત્પાદનોમાં મૂલ્યવર્ધન કરવાની અપીલ કરી હતી.
કૃષિ અને કૃષિપેદાશોની બહુમૂલ્ય જાતોના સંરક્ષણ અને વિસ્તરણ માટે સરકાર દ્વારા પણ અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. દેશભરના એ તમામ ખેડૂતો કે જેઓ વિશેષ ગુણધર્મો ધરાવતી ખેતપેદાશોનું ઉત્પાદન કરતા હોય તેમને અધિકાર આપવા માટે સરકાર દ્વારા ખેડૂત અધિકાર અધિનિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ અધિનિયમ અંતર્ગત ખેડૂતો પેટન્ટ કરાવી આ પેદાશો પર પોતાનો અધિકાર મેળવી શકે છે. આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા દેવેશભાઈની વિશેષ ગુણધર્મ ધરાવતી પેદાશો બોરીયાવી હળદર અને બોરીયાવી આદુની પેટન્ટ મેળવવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.