- હોસ્પિટલ દ્વારા કરવામાં આવતી માંગણીને 60થી 70% જથ્થો પૂરો પાડે છે: સ્નેહલ પટેલ
- છેલ્લા 2 દિવસથી 600-600 ઇન્જેક્શન વિતરણ કરવામાં આવ્યા: સ્નેહલ પટેલ
- 3 દિવસથી ધક્કા ખાવા છતાં ઇન્જેક્શન મળતું નથી: દર્દીના સગા
આણંદ: જિલ્લામાં કોરોના સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. તેવામાં દર્દીઓ માટે રેમડેસીવીર ઇન્જેક્શનની માંગ પણ વધી રહી છે. જિલ્લામાં હાલની સ્થિતિએ રેમડેસીવીર ઇન્જેક્શન મેળવવા ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીઓના સગાને ધક્કા ખાવા પડી રહ્યા છે. બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા સરકારી જથ્થામાંથી અમુક જથ્થો ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરની માંગણી મુજબ દર્દીઓની સારવાર માટે ફાળવવામાં આવ્યો છે તેવું તંત્ર નું કહેવું છે. બુધવારે આણંદ જિલ્લામાં સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા એક મેસેજે દર્દીઓના સગાઓને જિલ્લા પંચાયત તરફ દોડાવ્યા હતા જે બાદ તંત્ર દ્વારા વાઇરલ મેસેજ ખોટો હોવાની ચોખવટ કરવામાં આવી હતી.
આ પણ વાંચો:પાટણમાં તંત્ર દ્વારા ખાનગી હોસ્પિટલો માટે રેમડેસીવીરના વિતરણની અલાયદી વ્યવસ્થા ઉભી કરી
થોડોક ભાગ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ફાળવવામાં આવે છે
સમગ્ર ઘટના અંગે ETV Bharat દ્વારા જવાબદાર અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવી હતી. જેમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં સરકાર તરફથી ઉપલબ્ધ થતાં ઇન્જેક્શનના જથ્થાનો થોડોક ભાગ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ દર્દીઓ માટે ફાળવવામાં આવે છે, પરંતુ તે માટે હોસ્પિટલના ડોક્ટર દ્વારા તંત્રને એક પદ્ધતિસર જાણ કરવાની હોય છે. જે બાદ ઉચ્ચ અધિકારીઓના નિર્દેશ મુજબ તેની ફાળવણી કરવામાં આવે છે. જિલ્લામાં આવતા ઇન્જેક્શનના જથ્થામાંથી છેલ્લા બે દિવસથી 600-600 જેટલા ઇન્જેક્શન ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરની ડિમાન્ડ પ્રમાણે ફાળવવામાં આવ્યા હોવાની જાણકારી જવાબદાર અધિકારીઓએ આપી હતી.