આણંદ: પ્રાપ્ત વિગતો અનુસાર ફરીયાદી રવિભાઈ પ્રતાપભાઈ વસાવા વિદ્યાલય બાવીસ ગામ સ્કૂલ પાસે આવેલી સોસાયટીમાં રહે છે. તેમન મોટાભાઈ લાલજી વસાવા છેલ્લા કેટલાય સમયથી વડોદરા ખાતે ચાલતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મજૂરી કામ કરીને જીવન ગુજરાન ચલાવતા હતા. લાલજીએ દોઢેક વર્ષ અગાઉ લોટીયા ભાગોળ ખાતે આવેલી રાજશ્રી ટોકીઝ પાસેની ઝૂપડપટ્ટીમાં રહેતી દક્ષાના નામની છોકરી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ લાલજી અને દક્ષા બાકરોલમાં રહેતા હતા. આ દરમિયાન બંને વચ્ચે અણબનાવ થતા દક્ષા લાલજીને છોડીને જતી રહી હતી.
ફેસબુક પર ફોટો મુકનાર પૂર્વ પતિને મળી મોત ની સજા આ અગાઉ છ-સાત મહિના પહેલા દક્ષાએ આણંદની મહાવીર ઝૂંપડપટ્ટીમાં રહેતા ખોડાભાઈ ઉર્ફે પિકે વાઘેલા સાથે લગ્ન કર્યા હતા. લાલજીને છોડ્યા બાદ દક્ષા તેની સાથે રહેવા જતી રહી હતી. રવિવારે સવારના 11:00 લાલજીભાઈ વિદ્યાનગર ખાતે રહેતા નાનાભાઈ રવિના ઘરે આવ્યો હતો. જે બાદ બે વાગ્યાના સુમારે લાલજીભાઈએ વાતચીત કરતા જણાવ્યું હતું કે, દક્ષાનો ફોન આવ્યો હતો અને મને મળવા માટે બોલાવતી હતી. જેથી હું આવ્યો છું. હું તેને મળીને આવું છું. એમ જણાવીને લાલજી ઘરેથી નીકળ્યો હતો. આ બાદ રાત્રે 8 વાગ્યા સુધી લાલજી ઘરે પરત ફર્યો ન હતો, પરંતુ રવિના મિત્ર પ્રકાશે રવિને ફોન કરી જણાવ્યું હતું કે, તારા ભાઈ લાલજીને રાજેશ્રી સિનેમા પાસે ઈસમો મારી રહ્યાં છે અને આ લોકો તારા ભાઈને ટાઉનહોલ બાજુ લઈ ગયા છે.
આ ઘટનાની જાણ થયા રવિ તુરંત જ ત્યાં પહોંચી ગયો હતો, પરંતુ ત્યાં કોઈ મળ્યું નહોતું. જેથી લાલાજીના મોબાઈલ પર ફોન કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો હતો. બીજે દિવસે સવારે પોલીસને ગોયા તળાવ પાસે લાલજીનો મૃતદેહ મળ્યો હોવાની જાણ થતા રવિભાઈ ત્યાં દોડી આવ્યાં હતાં. રવિએ મૃતદેહનો કબ્જો સોંપી પોલીસે કરમસદ કૃષ્ણ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. ફરિયાદના આધારે ગણતરીના જ કલાકોમાં આરોપી દંપતિને ઝડપીને ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું.
આ ઘટના વિશે પકડાયેલ દંપતિની ST, SC, OBC સેલના DYSP પૂછપરછ કરતા જણાવ્યુ હતું કે, લાલાજી પોતાના ફેસબુક એકાઉન્ટ પર દક્ષાના ફોટા અપલોડ કરતો હતો. જે ખોડાભાઈને ગમતું નહોતું, અને તેને લાલાજીને તેના ફોનમાં ફોટા દૂર કરવા અને ડીલીટ કરવા સુચવ્યું હતું, પરંતુ લાલાભાઇએ ફોટા ડીલીટ ન કરતા બીજો પતિ ગુસ્સે થયો હતો. આ દરમિયાન 29મી તારીખના રોજ કામ અર્થે ઘરેથી નીકળેલા ખોડાભાઈ એકાએક ઘરે પરત આવી જતા દક્ષાબેન લાલજી સાથે ફોન પર વાત કરી રહી હતી. તે બંને વચ્ચે ઝઘડો થયો હતો, જેથી ખોડાભાઈ પાઠ ભણાવવા માટેનો પ્લાન બનાવીને દક્ષા મારફતે લાલજીને ફોન કરી આણંદ રેલવે સ્ટેશને મળવા બોલાવ્યો હતો.
અઢી વાગ્યાના સુમારે રેલવે સ્ટેશન આગળ આવી ચઢેલા લાલજીને રિક્ષામાં બેસાડીને ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સફળતા મળતા મહાવીર ઝુપડપટ્ટીમાં લઈ ગયા હતા, જ્યાં સાગરીતો સાથે મળી લોખંડ અને પ્લાસ્ટિકની પાઈપ વડે ઢોર માર માર્યો હતો, ત્યાંથી ગણેશ સોસાયટી સલમાન ઝુપડપટ્ટીમાં રહેતા ઈમરાનના ઘરે લઈ જાઈને ત્યાં પણ માર માર્યો હતો. લાલજીને અધમૂવો કરી નાખ્યા બાદ રાજેશ્રી ઝુપડપટ્ટી લઈ ગયા હતાં અને ત્યાં પણ માર માર્યા બાદ બેભાન હાલતમાં શહેરના ગોયા તળાવ પર લાવીને ફેંકી દીધા બાદ ફરાર થઈ ગયા હતા. ગણપતે કરેલી કબૂલાતના આધારે પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, બપોરે અઢી વાગ્યાથી લાલજીને રિક્ષામાં બેસાડી અલગ અલગ સ્થળો પર લઈ જઈ દંપતિ અને તેના સાગરિતો દ્વારા માર મારવામાં આવ્યો હતો. લાલજી ભાગી ન જાય તે માટે તેના પગના ભાગે ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી. તેને બોથડ પદાર્થ દ્વારા પગના હાડકા પણ ભાગી નાંખવામાં આવ્યાં હતાં. આ ઘટનામાં દંપતિને મદદ કરનાર અન્ય શખ્સોને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. વિદ્યાનગરના આદિવાસી યુવકની હત્યામાં પોલીસે મંગળવારે દંપતિને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા હત્યાની જાણકારી મેળવવા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. પોલીસે ત્યાંથી કેટલાક પુરાવા પણ એકત્ર કર્યા હતાં. હાલ પોલીસ દંપતિ પાસેથી માહિતી મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.