- સરદાર વલ્લભભાઈ પટેલની 31 ઓક્ટોબરના રોજ 145મી જન્મજયંતી
- કરમસદ મૂકામે સરદાર વલ્લભભાઇ પટેલનું ઘર સરદાર ગૃહ તરીકે ઓળખાય છે
- ગામલોકો દ્વારા આ ઘરની સારસંભાળ રાખવામાં આવે છે
આણંદઃ મક્કમ મનોબળ અને આદર્શ નેતૃત્વની મુરત સમા સરદાર વલ્લભભાઈ પટેલનું બાળપણ આણંદ જિલ્લાના કરમસદ ગામમાં વીત્યું હતું. કરમસદ મૂકામે સરદાર વલ્લભભાઇ પટેલનું જે ઘરમાં બાળપણ વીત્યું હતું, તે ઘરને સરદાર ગૃહ તરીકે સાચવીને રાખવામાં આવ્યું છે. ગામના અગ્રણી નાગરિકો દ્વારા એક ટ્રસ્ટની રચના કરી આ ઘરની સારસંભાળ રાખવામાં આવે છે. સરદાર પટેલના મૂળભૂત ઘરને તે જ પરિસ્થિતિમાં આજે પણ ખૂબ જ કાળજીપૂર્વક સાચવીને રાખવામાં આવ્યું છે.
સરદાર પટેલના આ ઘરમાં ચાર કક્ષ છે. જેમાં આજે સરદાર સાહેબની જૂની યાદોને ફોટા સ્વરૂપે ખૂબ જ કાળજીપૂર્વક જીવંત રાખવામાં આવી છે. ઘરના મુખ્ય કક્ષમાં સરદાર પટેલની અખંડ જ્યોત આજે પણ જાણે તેમની ઉપસ્થિતિ સ્વરૂપ પ્રકાશ પાથરી રહી હોય તેમ દ્રશ્યમાન થાય છે. બે માળનું આ મકાન આજે સમગ્ર ચરોતરને ગૌરવ પ્રાપ્ત કરાવે છે.
ફળિયાને સરદાર પોળ નામ આપવામાં આવ્યું