પેટલાદ નગરપાલિકા દ્વારા સફાઈ અને સ્વચ્છતાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણમાં પણ ઉત્કૃષ્ઠ પરિણામ મેળવ્યા છે. ડોર-ટુ-ડોર સૂકો અને ભીનો કચરો ઉઘરાવીને શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા ઝુંબેશ ઉપાડી છે. પેટલાદ શહેર ને વર્ષ 2020 પહેલાં "ડસ્ટબીન ફ્રી" શહેર બનાવવા આગેકૂચ કરી રહ્યાં છે.
પેટલાદમાં સ્વચ્છતાનો સંદેશો આપીને કરાઈ ઈદની અનોખી ઉજવણી - Gujarati news
પેટલાદઃ શહેરમાં વિશ્વ પર્યાવરણ દીન અને મુસ્લિમ બિરાદરોના પવિત્ર તહેવાર ઇદની ઉજવણી અલગ રીતે કરવામાં આવી હતી. પટેલાદ નગરપાલિકા દ્વારા આ બે દિવસો મુસ્લિમ વિસ્તારમાં ગંદકીની ભરમાર જગ્યાને સુંદર અને સ્વચ્છ બાગમાં ફેરવીને ઉદ્દેશાત્મક રીતે ઉજવાયા હતા.
નગરના વિવિધ વિભાગોમાં પાલિકા તરફથી મૂકવામાં આવેલ લીટર બીન અને ગારબેજ જોઇન્ટ બોક્સને હટાવીને તે જગ્યાઓને વિકસાવી સ્થાનિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃતા લાવવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે પેટલાદમાં લઘુમતી કોમના વિસ્તારમાં આવેલ એક ગંદકીથી ખદબદતી જગ્યા પર નગરપાલિકાના ચીફ ઓફીસર હિરલ ઠાકર દ્વારા રમણીય બગીચો બનાવવામાં આવ્યો હતો. મુસ્લિમ ધર્મના પવિત્ર તહેવાર ઇદના શુભ દિવસે આ બગીચાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. આ જગ્યા પર મુકવામાં આવેલ ક્રિએટિવ કુંડા પર સંસ્કૃતિ હાયર સેકન્ડરી સ્કુલ, પોરડાના વિદ્યાર્થીઓ એ ચિત્ર કામ કરી સુશોભિત કર્યા હતા. તે માટે વિદ્યાર્થીઓએ નગરપાલિકાનો આભાર માન્યો હતો. પેટલાદ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે જણાવ્યું હતું કે, "નગરપાલિકા દ્વારા આવા 30 થી વધુ જગ્યાએ કચરા પેટીઓ ખસેડીને ત્યાં કલાત્મક કૃતિઓ મૂકીને અમુક ચોક્કસ જગ્યાઓ પર સેલ્ફી પોઇન્ટ વિકસાવવામાં આવશે. વર્ષ 2020 સુધીમાં પેટલાદ નગરપાલિકા વિસ્તાર ને સંપૂર્ણ ડસ્ટબીન ફ્રી બનાવવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે."