- ડો. સોઢી ઇરમાની પ્રથમ બેચના વિદ્યાર્થી
- અમૂલમાં 35 વર્ષનો અનુભવ ધરાવે છે ડો.સોઢી
- 11 વર્ષથી GCMMFમાં મેનેજિંગ ડિરેક્ટરના પદ પર છે ડો.સોઢી
આણંદ: ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિ. (જીસીએમએમએફ)ના મેનેજીંગ ડિરેકટર ડો. આર.એસ.સોઢીની 1 જૂન, 2021ના રોજ યોજાયેલી આઈડીએફની જનરલ એસેમ્બલી પ્રસંગે ઈન્ટરનેશનલ ડેરી ફેડરેશનના બોર્ડમાં સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે. અહીં એ નોંધવુ રસપ્રદ રહેશે કે દર વર્ષે 1 જૂનને “વર્લ્ડ મિલ્ક ડે” તરીકે ઉજવવામાં આવે છે. ઈન્ડિયન નેશનલ કમિટી ઓફ ઈન્ડિયાએ ડો. સોઢીનું નામ સૂચવવ્યું હતું, જે સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યું હતું.
આઈડીએફમાં નિમણૂંક પ્રસંગે ડો.સોઢીએ જણાવ્યુ હતું કે “વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશનું પ્રતિનિધિત્વ કરવું અને ડેરી ક્ષેત્રના પર્યાવરણલક્ષી ધ્યેયમાં યોગદાન આપવું અને યુનાઈટેડ નેશન્સના સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને પહોંચી વળવા પ્રયાસ કરવો તે મારા માટે એક સન્માનની બાબત છે.” ડો. સોઢીએ સીટીએઈ, ઉદેપુરમાંથી બેચલર ઓફ એન્જીન્યરીંગની ડીગ્રી પ્રાપ્ત કરી છે. સ્નાતક થયા પછી તેમણે ઈન્સ્ટિટયૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ (ઈરમા)માંથી અનુસ્નાતકની પદવી પ્રાપ્ત છે. તે ઈરમાની પ્રથમ બેચના વિદ્યાર્થી હતાં. ઈરમામાંથી અનુસ્નાતકની પદવી હાંસલ કર્યા પછી, તે વર્ષ 1982માં જીસીએમએમએફમાં જોડાયાં હતાં. તાજેતરમાં તેમણે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી ડોકટર ઓફ સાયન્સ (Honoris Causa) ડીગ્રી પ્રાપ્ત કરી છે.
આ પણ વાંચોઃ અમૂલની જાહેરાત વિરુદ્ધની અરજી ફગાવતું ASCI, કહ્યું સોયા મિલ્ક એ દૂધ નથી
ડો.સોઢી અમૂલનો 39 વર્ષનો સમૃદ્ધ અનુભવ
ડો.સોઢી અમૂલનો 39 વર્ષનો સમૃદ્ધ અનુભવ ધરાવે છે. ડો. સોઢીએ વર્ષ 2010માં જીસીએમએમએફ (અમૂલ)માં મેનેજીંગ ડિરેકટરનું પદ સંભાળ્યું હતું. તેમના નેતૃત્વ હેઠળ અમૂલ તરફથી ચૂકવવામાં દૂધની એકત્રીકરણની કિંમતમાં કિલો ફેટ દીઠ વર્ષ 2009-10માં ચૂકવાતા રૂ. 337થી વધતા રહીને વર્ષ 2020-21માં કિલો ફેટ દીઠ રૂ. 810 થતાં છેલ્લાં 10 વર્ષમાં 140 ટકાનો વધારો થયો છે. પોસાય તેવા ભાવ અને ટેકનોલોજીના સહયોગથી ડો. સોઢી છેલ્લાં 10 વર્ષમાં ખેડૂતોને દૂધનુ એકત્રીકરણ વર્ષ 2009-10માં દૈનિક 91 લાખ લીટરથી 171 ટકા વધારીને વર્ષ 2020-21માં દૈનિક 250 લાખ લીટર સુધી લઈ જવા માટે પ્રોત્સાહિત કરી ચૂક્યાં છે. સમાન ગાળા દરમ્યાન (છેલ્લા 10 વર્ષમાં) ડો.સોઢીના નેતૃત્વ હેઠળ જીસીએમએફના બિઝનેસ ટર્નઓવરમાં 390 ટકાની વૃદ્ધિ હાંસલ કરીને તે વર્ષ 2009-10માં રૂ.8005 કરોડથી વધીને વર્ષ 2020-21માં રૂ.39,238 કરોડ સુધી પહોંચાડયું છે.
ડો.સોઢી જીસેમએમએફના ખૂબ પ્રશંસા પામેલા ડિરેક્ટર તરીકે વખણાયાં છે. તેમના આ કાર્યોની નોંધ લેવાય છે.
(1) વિશ્વના ઓરિજીનલ એનર્જી ડ્રીંક તરીકે દૂધનો પ્રચાર
(2) ‘ઈટ મિલ્ક’ ઝૂંબેશ હાથ ધરીને ભારતના યુવાનોને તેમના દરેક ભોજનમાં ડેરી પ્રોડકટસનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા
(3) અમૂલ દૂધ પીતા હૈ ઈન્ડિયા જેવા માર્કેટીંગ કેમ્પેઈનની આગેવાની લીધી હતી. તે મેનેજીંગ ડિરેકટર તરીકેના તેમના કાર્યકાળમાં 200થી વધુ નવી પ્રોડકટસ રજૂ કરી ચૂકયાં છે. તેમણે ડીજીટલ/સોશિયલ મિડીયા માર્કેટીંગ ઈનોવેશનનો ડેરી ઉદ્યોગમાં ઉપયોગ કરીને એ બાબતે ખાતરી રાખી છે કે દૂધ અને દૂધનાં ઉત્પાદનોનો વપરાશ યુવા પેઢીમાં વધે.
(4) ડો.સોઢીએ ડેરી સહકારી ક્ષેત્રમાં જે નોંધપાત્ર પ્રદાન કર્યુ છે તેમાં અમૂલના વિતરણ નેટવર્કનો સમાવેશ થાય છે. તેનાથી ઘણા લોકો માટે રોજગારીની તકો વધી છે. તેમના દિશા નિર્દેશથી આ બ્રાન્ડને નોંધપાત્ર સફળતા હાંસલ થઈ છે.