પ્રિય કૃષ્ણ,
જ્યાં જ્યાં મારી નજર પડે છે આ સૃષ્ટિનાં કણ કણમાં મને તારી જ છબી દેખાય છે. મને ખબર છે કે, તું મારી સાથે જ છું. છતાંય તારી યાદોમાં હું એટલી વ્યાકુળ થઈ જાઉં છું કે તું ક્યારે મળીશ મને ? એની રાહ હું ગાંડાની જેમ જોઉં છું. તારી સામે હું જ્યારે હોઉં છું તો હું તો ક્યાંય હોતી જ નથી, મારામાં મારાપણું હોતું જ નથી બધે તું જ હોય છે. આ મને મળેલું જીવન એ તારી જ પ્રસાદી છે. તું ક્યારે આવીશ ? હું તો તારી એ જ રાહ જોઈને દિવસ-રાત તને યાદ કરતાં તને જ અનુભવતા કાઢું છું. અને એટલે જ કહેવાઈ જાય છે...
હરિવર, આમ ન અળગી રાખો,
ઉદાસ આંખોમાં ઉછરેલો પ્રેમ જરી તો વાંચો!
હરિવર, આમ ન અળગી રાખો.
હે કાન્હા જી... કોઇ ભારણ વિના કોઈ કારણ વિના
ચાહું તને... તું આસપાસ હોય એ તો ઉત્સવ જ! તું મળે તો મહેફિલ, પણ ન મળે તોય મુંઝારો નહિ... તારું હોવું આસપાસએ મારા અસ્તિત્વનો અનુવાદ... તને યાદ કરું... સભર થઈને...
તું ખૂટે નહિ, ને તારી સદેહે ગેરહાજરી ખૂંચે પણ નહિ ...
હવે તું... મારા મનના ઓરડામાં સતત રહેતી તસવીર... તારું સ્મિત મારી સવારનો ઉઘાડ...
ને યાદની બારીમાંથી રોજ વહી આવે છે તારા સહવાસના સ્મરણની સુખમય સુગંધ... આપણો સંબંધ હવે શબ્દોનો મોહતાજ નથી...સાથે વિતાવેલા સમયની એક એક ક્ષણ
મારી પાસે અકબંધ, અમૂલ્ય...
ને હું ધન્ય તને પામવા કે માપવાના અર્થહીન ને અધકચરા
બાલિશ પ્રયાસોને બદલે હવે... પ્રતીક્ષાની પ્રજ્વલિત પ્રમાણિકતા...ભલે હું ગોરસની મટુકી કે નમણી ગોપી નથી પણ હે કાના મારી ગઠરીમાં માત્ર તારી જ પ્રતીક્ષા ભરી છે...
ભલે અણઘડ જીવતર જીવું છું પણ એ જિવતર તારા ચરણે રમતું મૂક્યું છે, હું તો તારા ઘરઆંગણાની તુલસીનો છોડ છું એ તો શાલીગ્રામને જ પરણે હો...!!!એકાદ હવાની લહેરખી આવેને હળવેકથી મારા ગાલ પરથી વાળની લટને ઉડાવી પાછી ધકેલે, ક્યારેક રમત કરે તો થાય છે કે ક્યાંક આ તું તો નથી ? બારણે ટકોરા પડે ને થાય કે તું આવ્યો હશે ? ત્યારે વિચારતાં હૃદય મારું ધબકારો ચુકી જાય. અચાનક પગરવ સંભળાયને થાય તું આવ્યો મને મળવા. બસ હું જીવું છું માત્ર અને માત્ર તારી જ પ્રતીક્ષામાં...
બાળક પાટી માં એકડો ઘૂંટે ને એમ ઘૂંટુ છું તને, તને એટલે તને અને મને પણ. તારું સદેહે મારી સાથે હોવું ક્યાં જરૂરી છે?
જન્માષ્ટમી નિમિત્તે આણંદના લેખિકા ડો. હર્ષા ગઢવીનો ભગવાન શ્રીકૃષ્ણને પત્ર - Letter written by Dr. Hersha
આજે 30 ઓગસ્ટ સોમવારના રોજ જન્માષ્ટમીનો પર્વ છે. ગયા વર્ષે આ પર્વની ઉજવણી કોરોનાના કારણે થઇ ન હતી. ત્યારે આ વર્ષે કોરોનાના કેસ ઘટતા સરકારે કોરોનાની ગાઇડલાઇનને અનુસરીને ઉજવણીમાં છૂટછાટ આપી છે. ત્યારે આણંદના લેખિકા ડો. હર્ષા ગઢવીએ જન્માષ્ટમીના પ્રસંગે ભગવાન શ્રીકૃષ્ણને એક પત્ર લખીને પોતાની લાગણી વ્યક્ત કરી છે.
અનુભવની વ્યાસ પીઠ ઉપર બેસીને પ્રવચન નથી આપવું. કોઈ વચનની આપ લે પણ નથી કરવી. બસ બાળક બનીને જોવો છે તને અને તું પણ બાળક જેવો જ છે એની ખબર છેને તને ?
તું એટલે દુનિયા, દુનિયાદારી નહીં હો, તું એટલે વિખૂટો પડેલો મારા અવકાશનો ટુકડો, મારી ઘડિયાળમાં નહીં બંધાયેલો સમય, મારા ગીતોનો લય, મારી સાંજનો મિજાજ, મારી સવારનું ખુલ્લું આકાશ. તારું પરબીડીયું ભલે ખાલી આવે પણ હોય છે સુગંધથી તરબતર.
મને ગમે છે તને ખોટું નથી લાગતું તે, ખોટું લગાડવા કરતાં સાચું લગાડીને જીવાય છે તે. શ્વાસ તું લે છે અને દિવસ મારો લંબાય છે.
તું આવે તો કેલેન્ડરનાં પાનાની બધી તારીખોને લાલ રંગનાં રજાના આંકડામાં ફેરવી નાખું.
તું આવે તો ઘરની છત પર આકાશનું ઝૂમ્મર લટકાવું, પણ મળવાનાં રસ્તાનું સરનામું માણસોને ન પૂછીશ, આસપાસ ઉભેલા વૃક્ષોને પૂછજે, ઝાકળ ભીના ફૂલોને પૂછજે, પવનનાં હિંડોળે ઝૂલતા પાંદડાને પૂછજે. પણ એક વાત મને કહે, તારા આવવાનો રસ્તો કયો ? મારી પાસે આવવા માટે તારે કોઈ રસ્તાની જરૂર પડે ખરી ?
સમયની દિવાલની પેલી પાર ધીરજનાં પ્લાસ્ટર પર સતત તારી આવવા ન આવવાની અસમંજસ ભરેલી લાગણીઓનાં વિસ્ફોટોએ તિરાડો પાડી છે. મારા મનમાં ઘડેલી તારી છબીથીએ તિરાડોને ઢાંકવાનો પ્રયાસ કરું છું.
રડવાની મોસમમાં તું ડૂમો થઈને આવશે તો ચાલશે. મળવાની મોસમમાં યાદના ઘટાદાર વૃક્ષના છાંયડાનો તરઝૂમો થઈને આવશે તો પણ ચાલશે.
ચલાવી લેવુંએ મારી ફરિયાદ પણ નથી કે જરૂરિયાત પણ નથી. હું તને અડધું પડધું મળું તોય તને સંપૂર્ણ પણે મારામાં ક્યાંક સંતાડું છું. અને પછી ભૂલકણાં માણસની જેમ શોધખોળ ચાલે છે તારી. લોકો એને જીંદગી કહે છે. તારો એક અંશ પણ મળે તો એમાંથી હું મારી જાતને સંપૂર્ણ ઘડી શકીશ. હું કંઈ સંગીતનો કેળવાયેલો અવાજ નથી કે લય મેળવેલી સાજ પણ નથી. છતાં મારે તારું ગીત ગાવું છે. તું વરસેએ વરસાદમાં ન્હાવું છે.
હું શરીર છોડીને ક્યાંક ટુકડે ટુકડે વિખેરાઈને પડેલી હોઉં તો તારે એ બધા ટુકડાને વીણી વીણીને ભેગા કરવાના, તારો સ્પર્શ મારા હોવાપણાંને વાંસળી કરી નાખશે. તારે આવવું હોય ત્યારે આવજે, મારા મૌનની ભાષા તને સમજાય ત્યારે આવજે. પણ મારા છેલ્લા શ્વાસ સુધીમાં બસ એકવાર આવજે.
લિ.
તારી કૃષ્ણ પ્રિયા
ડૉ. હર્ષા ગઢવી (લેખિકા)