આણંદ : જિલ્લા પંચાયત દ્વારા તેડાગર તથા આંગણવાડી કર્મચારીઓની 300થી વધુ જગ્યાઓ માટે ઓનલાઇન ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં અંદાજિત 3000 કરતા વધુ અરજદારોએ નોકરી મેળવવા માટે અરજી કરી હતી. જેમાં ઓનલાઇન મેરિટ બન્યા બાદ ઘણા અરજદારોની અરજી ભરતી પ્રક્રિયા હાથ ધરાતા અમાન્ય સાબિત થતા તેને રદ્દ કરવામાં આવી હતી. આવા કિસ્સામાં રદ્દ કરાયેલી અરજીઓનો અરજદારોએ વિરોધ નોંધાવ્યો હતો.
આણંદ જિલ્લા પંચાયત દ્વારા હાથ ધરવામાં આવેલી આંગણવાડી કર્મચારીઓની ભરતીમાં નિયમ પ્રમાણે માગેલા દસ્તાવેજમાં ગ્રેડ સિસ્ટમ અને CGPAની માર્કશીટની બદલે જે તે કોલેજ અથવા યુનિવર્સિટીની માર્ક વાળી માર્કશીટ મંગાવવામાં આવી હતી, જેમાં અરજદારોની સમજ ફેર થતા કોલેજ અથવા યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલી ગ્રેડ વાળી માર્કશીટ અરજદારોએ જમા કરી હતી. જેને લઇ જિલ્લા પંચાયત દ્વારા આવા અરજદારોની અરજીને રદ્દ કરવામાં આવી હતી. જે કારણે અરજદારો દ્વારા જિલ્લા પંચાયતમાં અપીલ કરી આ ભરતી પ્રક્રિયા પર સ્ટે લાવવા માટે માગ કરવામાં આવી કરી છે.
ગુજરાતમાં આંગણવાડી વર્કરો દ્વારા કરવામાં આવેલા વિરોધના અહેવાલ
અરવાલ્લીઃ તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી બહેનોની ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. જોકે આ જાહેરતામાં ભરતી અંગેની શરતોને લઇ ICDS હેઠળ આંગણવાડીમાં કાર્યકર અને તેડાગર તરીકે ફરજ બજાવતી બહેનોમાં રોષ વ્યાપયો છે. વર્ષોથી ફરજ બજાવતી મહિલાઓને સરકારની જાહેરાતમાં ઉંમર, અનુભવ અને બીજી ઘણી બિનજરૂરી લાયકાતોના કારણે ભરતી પ્રક્રિયામાંથી બાકાત રહેવાનો વારો આવ્યો છે. વર્ષોથી આંગણવાડી કાર્યકર અને તેડાગરની નોકરીના માધ્યમથી પરિવારનું ભરણપોષણ કરી રહેલી મહિલાઓને, ભરતી પ્રક્રિયામાં રહેલી ગૂંચવણોથી અન્યાય ન થાય તેવી માગ DDOને આપેલા આવેદનપત્રમાં કરવામાં આવી હતી.
બનાસકાંઠાઃ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોને પૂરતું વેતન અપાતું ન હોય તેમજ તેઓની પડતર માંગણીઓ સંતોષાતી ન હોવાથી રાજ્યભરમાં આંગણવાડી કાર્યકર બહેનોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. જેમાં પાલનપુર ખાતે બે હજારથી વધુ બહેનોએ સૂત્રોચ્ચાર અને દેખાવો કરતા પોલીસે 100 બહેનોની અટકાયત કરી હતી. શહેરના સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં બે હજારથી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ એકત્ર થઇ રાજ્ય સરકાર વિરુદ્ધ દેખાવો કર્યા હતા. સરકાર દ્વારા આંગણવાડી બહેનોને પૂરતું વેતન અપાતું નથી તેમજ વર્ષોથી તેઓની માંગણીઓ સંતોષવામાં આવતી નથી આ ઉપરાંત આંગણવાડી બહેનોને અનેક પ્રકારના સરકારી કાર્યક્રમોમાં તેમજ અન્ય કાર્યક્રમોમાં ફરજિયાત હાજર રહેવા ફરજ પડાય છે પરંતુ તેઓની રજૂઆતો ધ્યાને લેવાતી નથી આ બાબતે તેઓએ અગાઉ પણ અનેક વખત રજૂઆત કરી છે, તેમ છતાં પણ સરકારે તેઓની રજૂઆતો ન સંભાળતા તેઓએ બુધવારે રાજ્યભરમાં દેખાવો યોજયા હતા .પાલનપુર ખાતે પણ સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં એકત્ર થયેલી બહેનોએ વિરોધ કરતા 100 જેટલી આગેવાન બહેનોની પોલીસે અટકાયત કરી હતી જોકે બાદમાં કલેકટર કચેરી પાસે તેઓને છોડી મૂકવામાં આવી હતી ત્યારબાદ આંગણવાડી બહેનો એકત્ર થઇ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆતો કરી પોતાની માગણીઓ નહીં સંતોષાય તો આગામી સમયમાં આંદોલન કરવાની ચેતવણી આપી હતી.
મોરબીઃ શહેરમાં બુધવારે રાષ્ટ્રીય કક્ષાની હડતાલ સાથે રાજ્યની આંગણવાડી અને આશા વર્કરો પણ જોડાઈ હતી. જેમાં મોરબી ખાતે આશા વર્કર, આંગણવાડી બહેનો અને હેલ્પર સહીત 1000 જેટલા બહેનોએ ધરણા કર્યા હતા.