ગુજરાત

gujarat

ETV Bharat / state

તમે જાણો છો ખંભાતમાં છેક 1580થી પશુપક્ષીઓની સારવારનું ક્લીનિક છે? હવે તે નવા વાઘા પહેરશે

ઐતિહાસિક અને પુરાતન નવાબીનગર ખંભાતમાં આધુનિક સુવિધાયુક્ત પશુ સારવાર માટેનું નૂતન સંકુલ રૂા 1.19 કરોડના ખર્ચથી આકાર લઈ રહ્યું છે, જેથી પશુપાલન ક્ષેત્રે આણંદ જિલ્લો વધુ સમૃદ્ધ બનશે.

તમે જાણો છો ખંભાતમાં છેક 1580થી પશુપક્ષીઓની સારવારનું ક્લીનિક છે? હવે તે નવા વાઘા પહેરશે
તમે જાણો છો ખંભાતમાં છેક 1580થી પશુપક્ષીઓની સારવારનું ક્લીનિક છે? હવે તે નવા વાઘા પહેરશે

By

Published : Jan 8, 2021, 5:06 PM IST

  • દુનિયામાં 16મી સદીમાં પશુ ચિકિત્સાનો પ્રારંભ થયો હતો
  • ખંભાતમાં 1580માં પક્ષીઓ અને નાના પ્રાણીઓ માટે સારવાર ક્લીનિક કાર્યરત હતી
  • વિદેશી પ્રવાસીઓએ ખંભાતના ઐતિહાસિક પક્ષી દવાખાનાની નોંધ લીધી હોવાના ઉલ્લેખ છે
  • વિશ્વના સૌથી પુરાણા પક્ષી વેટરનરી ક્લિનિકથી પશુ દવાખાના સુધી ખંભાતની સફર

અમદાવાદ : ખંભાત નગર નવાબી કાળથી અને બંદર હોવાના કારણે પણ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. અન્ય દેશોના પ્રવાસીઓ ભારત આવતાં અને ખંભાતની અચૂક મુલાકાત લેતા હતાં. ત્યારે ઈ. સ. 1580માં એક ફ્રેન્ચ પ્રવાસી રાલફ ખંભાત નગરની મુલાકાતે આવ્યાં હતાં, તેઓએ અહીં પક્ષીઓ અને નાના પ્રાણીઓની સારવાર માટેની ક્લીનીક કાર્યરત હોવાનું પોતાની પ્રવાસ કથામાં વર્ણન કર્યું છે.

જૂના દવાખાનાની જગ્યાએ 1.19 કરોડના ખર્ચે અદ્યતન ક્લીનિક બનશે

નાયબ પશુપાલન નિયામક ડો. સ્નેહલ પટેલ જણાવ્યું કે દુનિયામાં 16મી સદીમાં પશુ સારવાર એટલે કે વેટરનરી શિક્ષણની શરૂઆત થઈ તે પહેલાં ખંભાતમાં 1580ના સમયમાં પક્ષી, બિલાડી, કૂતરાં વગેરેની સારવાર થતી હતી. ખંભાત ખાતે હાલના જુના પશુ દવાખાનાની જગ્યાએ એક અદ્યતન સંકુલ રૂા.1.19 કરોડના ખર્ચથી નિર્માણ કરવાનું કામ આરંભાયું છે. આણંદ જિલ્લાની ઐતિહાસિક નગરી એવી ખંભાતનો સાંસ્કૃતિક વારસોએ પશુ ચિકિત્સા ક્ષેત્રે પણ આગવી ઓળખ ધરાવે છે.

વિદેશી પ્રવાસીઓએ ખંભાતના ઐતિહાસિક પક્ષી દવાખાનાની નોંધ લીધી હોવાના ઉલ્લેખ છે

રોમન પ્રવાસીઓ પેટ્રો ડીલાવેલ ખંભાતની મુલાકાતે આવ્યા હતાં

આજથી 400 વર્ષ પહેલાં ત્યારે 16મી સદીમાં સમગ્ર વિશ્વમાં પશુ ચિકિત્સાના શિક્ષણની હજી શરૂઆત થતી હતી તેવા સમયે ખંભાતમાં પક્ષીઓની સારવાર માટે આગવુ દવાખાનું હતું. જ્યારે રોમન પ્રવાસી પેટ્રો ડીલાવેલ ઇ.સ.1683માં ખંભાતની મુલાકાતે આવ્યાં હતાં, તેમણે ખંભાતમાં પશુઓ માટે સારી પાંજરાપોળો ચાલતી હોવાનો પોતાના પ્રવાસ કથામાં ઉલ્લેખ કર્યા છે. જેને જોવા માટે યુરોપના દેશોમાંથી પ્રવાસી આવતા હતાં તેવી નોંધ ઐતિહાસિક દસ્તાવેજોમાં જોવા મળે છે.

ખંભાતમાં ત્રણ દરવાજા પાસે પશુ દવાખાનું છે

હાલ ખંભાતમાં ત્રણ દરવાજા પાસે જે પશુ દવાખાનું છે, તે વર્ષ 1910 પહેલાં કાર્યરત હતું અને 1926ના વર્ષમાં બનેલા અને ખંભાત નવાબ તરફથી ગુજરાત સરકારને સોંપવામાં આવેલ આ પશુ દવાખાનાના નવ નિર્માણની આજથી શરૂઆત થઈ છે. ખંભાતના હાલના પશુ દવાખાનાની જગ્યાએ હવે પશુ પક્ષીની સચોટ સારવાર માટે આધુનિક સાધન સામગ્રીથી સજજ એવું નવા પશુ દવાખાનાનું રૂ.1.19 કરોડના ખર્ચથી સાકાર થશે, જેનું રાજ્યના મુખ્યપ્રધાન વિજયૃ રૂપાણીના હસ્તે તાજેતરમાં જ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખંભાતમાં આજે પણ પશુપાલન વિભાગ ગુજરાત સરકાર દ્વારા ખંભાત ખાતે ખાસ કેમ્પ ઉભા કરીને ઊંટ અને પક્ષીઓની વિવિધ પ્રકારની સારવાર થઈ રહી છે.

આણંદ જિલ્લામાં પેટલાદ અને બોરસદમાં પશુ દવાખાના છે

મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના હેઠળ આણંદ જિલ્લાના પેટલાદ અને બોરસદના પશુ દવાખાના ઉપરાંત તાલુકા સ્તરે પણ ગ્રામ્ય પશુઓની સારવાર અને કાળજી લેવામાં આવી રહી છે. તો પેટલાદમાં પશુ દવાખાનાની વિદેશી મહાનુભાવો પણ મુલાકાત લઈ ચૂક્યાં છે હોવાથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામ્યું છે. આણંદ ખાતેની વેટરનરી કોલેજ પણ પશુ સારવાર અને સંશોધન ક્ષેત્રે તેમજ વિવિધ શસ્ત્રક્રિયાઓમાં પણ દેશભરમાં ખ્યાતિ ધરાવે છે.

70 જેટલા ગામોમાં અબોલ પશુઓની મફત સારવાર થઈ રહી છે

ગુજરાત સરકાર દ્વારા આણદ જિલ્લામાં કુલ સાત જેટલી “1962 કરૂણા પશુ સારવાર એમ્બ્યુલન્સ” દ્વારા 70 જેટલા ગામોમાં અબોલ પશુઓની મફત સારવાર કરવામાં આવી રહી છે. જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા પાછલા પાંચ વર્ષોમાં આણંદ જિલ્લામાં પશુપાલન ક્ષેત્રે પશુપાલકોને રૂ. 12 કરોડથી વધુ રકમની સહાય આપવામાં આવી છે. આણંદ જિલ્લામાં આવેલા પશુ દવાખાના અને સરકારી પશુચિકિત્સકો સાચે જ અબોલ પશુ પક્ષીઓની સેવા સારવાર કરી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details