- ખંભાતના ભાટ તલાવડી ગામે 2 બાળકોના મોત
- કાંસના ઊંડા પાણીમાં નાહવા પડ્યા હતા
- 2 બાળકોના મોતથી ગ્રામ્યજનો શોક મગ્ન
ખંભાતઃ તાલુકાના ભાટ તલાવડી ગામે 17 જૂન ગુરુવારે બપોરના સમયે ગામના બે બાળકો પાણીમાં નાહવા પડેલા જે બંને બાળકો કાંસના ઊંડા પાણીમાં ડુબી જવાથી બંનેના મોત નિપજ્યા છે. બંને બાળકોના મોતથી બન્ને પરિવારોમાં તેમજ સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે.
કાંસના ઊંડા પાણીમાં પગ લપસતા ડૂબ્યા
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ ખંભાત તાલુકાના ભાટ તલાવડી ગામે 17 જૂન ગુરુવારે બપોરના સુમારે ધોરણ 9માં અભ્યાસ કરતા જતીન ગોહિલ અને ચિંતન વાઘેલા ગામમાંથી પસાર થતા કાસના પાણીમાં નાહવા ગયા હતા. જે દરમિયાન કાંસના ઊંડા પાણીમાં પગ લપસતા ડૂબી ગયા હતા. બંને બાળકો મોડી સાંજ સુધી દરેક પરત ન ફરતાં બંનેના પરિવારજનોએ બાળકોની શોધખોળ શરૂ કરી હતી.
બંને બાળકોના મોતથી સમગ્ર ગામમાં શોકનો માહોલ
આ ઘટના બાદ ગામમાં તથા આસપાસના ગામમાં શોધખોળ બાદ ગામમાંથી પસાર થતાં કાંસ પાસે બંને બાળકોના ચપલ તથા કપડા જોવા મળ્યા હતા. કાંસના પાણીમાં બંને બાળકોની શોધખોળ કરતા બંને બાળકો કાસમાંથી મળી આવ્યા હતા. તુરંત બંનેને ખંભાતની જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ડોક્ટર દ્વારા બંને બાળકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાંથી તુરંત બંનેના મૃતદેહોને પીએમ કરી તેઓને ભાટ તલાવડી ગામે લઈ જવાયા હતા બંને બાળકોના મોતથી સમગ્ર ગામ હિબકે ચડયું હતું તથા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.
આ પણ વાંચોઃઅરવલ્લી જિલ્લાના મોડાસામાં તળાવમાં ડૂબી જતા બે બાળકોના મોત