- જિલ્લામાં 11 કેન્દ્રો પર સાવરના 8 કલાકથી ચાલુ થશે કોરોના રસીકરણ
- પહેલા દિવસે 1100 લાભાર્થીઓને વિનામુલ્યે આપવામાં આવશે રસી
- જિલ્લામાં 16 હજાર ઉપરાંત હેલ્થ વર્કરને અપાશે રસી
આણંદઃ કોરોના વેક્સીનને લઇ દેશની આતુરતાનો અંત નજીકના દિવસોમાં આવશે, ત્યારે આણંદ જિલ્લામાં પણ આગામી 16 તારીખથી કોરોના રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં જિલ્લા કલેકટરે મીડિયા સમક્ષ આ રસીકરણની સમગ્ર પ્રક્રિયા વિશે વિસ્તારમાં ચર્ચા કરી હતી.
આણંદ જિલ્લા કલેકટર આર.જી.ગોહિલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા મોકલવામાં આવેલી 18,500 કોરોના રસીનો સ્ટોક આણંદ જિલ્લામાં આવી ગયો છે. જેને ખૂબ જ કાળજીપૂર્વક જિલ્લા વેક્સીન સ્ટોરમાં નિયમ અનુસારના તાપમાનમાં રાખવામાં આવ્યો છે. સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા આઈ એલ.આર રેફ્રિજરેટરમાં આ સ્ટોકને રખાયો છે. હાલ જિલ્લામાં રસીના જથ્થાનો સંગ્રહ કરવા માટેની હાલ 40,000 રસીની ક્ષમતા ધરાવતા બે રેફ્રિજરેટર કાર્યરત છે. આ રેફ્રિજરેટરમાં વેક્સીન માટે આવશ્યક તાપમાન 2 થી 8 ડિગ્રી સે. ને જાળવી રાખવામાં મદદરૂપ બને છે.
પહેલા દિવસે 1100 લાભાર્થીઓને વિનામુલ્યે આપવામાં આવશે રસી
16 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલી રસીકરણની કાર્યવાહીમાં પ્રથમ દિવસે 1100 લાભાર્થીઓને રસી મુકવામાં આવશે. આ પ્રકારના 16,628 આરોગ્ય કર્મચારીઓને આવેલા જથ્થામાં આવરી લેવામાં આવશે. જિલ્લાના 11 કેન્દ્રો પર પ્રાથમિક રસીકરણ માટેની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. આ કેન્દ્રોમાં 6 સરકારી કેન્દ્રો અને 5 ખાનગી સંસ્થાઓમાં રસીકરણ કેન્દ્રો ઉભો કરવામાં આવશે. જેમાં ત્રણ સ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
રસીકરણમાં ક્યાં પ્રકારની પ્રક્રિયા રહેશે
લાભાર્થીઓને મોબાઈલ પર મેસેજથી અપોઈમેન્ટ આપવામાં આવશે. કોરોના વેક્સીન માટે જે લાભાર્થીઓને રસી આપવામાં આવશે તેમને અગાઉથી સિસ્ટમમાંથી મોબાઈલ પર મેસેજ કરી રસીકરણ માટે અપોઈમેન્ટ આપવામાં આવશે. જેમાં રસીકરણ કેન્દ્ર અને સમય અંગેની માહિતી લાભાર્થીને આપવામાં આવશે.