આણંદ : આવનાર યુક્ત ટેકનોલોજીનો યુગ છે. ત્યારે હવે દેશના રાજકારણમાં પણ ટેક્નોલોજીનો ઉપયોગ થાય તો કોઈ નવાઈની વાત નથી. આણંદ જિલ્લામાં કોંગ્રેસ પક્ષ દ્વારા પાર્ટીને વધુ મજબૂત બનાવવા તેમજ પક્ષના નવનિયુક્ત સંયોજકોને તાલીમ શિબિરમાં જોડી પક્ષની આગામી રણનીતિને તૈયાર કરી તેમજ કાર્યકર્તાઓને ગ્રાઉન્ડ લેવલ પર પાર્ટીને મજબૂત કરવાની તાલીમ આપવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસે ગ્રાઉન્ડ લેવલે પાર્ટીને મજબૂત કરવા કામગીરી ચાલુ કરી જેમાં જિલ્લાના વિવિધ ક્ષેત્રમાંથી આવતા પક્ષને વફાદાર પ્રતિનિધિ મંડળને અમદાવાદથી આવેલ ટ્રેનર દ્વારા પક્ષને મજબુત બનાવવા માટેની તાલીમ આપવામાં આવી હતી.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આવનાર સમયમાં કોંગ્રેસને વધુ મજબૂત બનાવવા સંયોજકોને તાલીમ આપવાનું કાર્યક્રમનું આયોજન આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. જેના થકી ડિજિટલ રજિસ્ટ્રેશનની ઝુંબેશ હાથ ધરવામાં આવશે. હવે આગામી માર્ચ મહિનામાં આ ઝુંબેશ થકી લોકજાગૃતિના પ્રશ્નોને વાચા આપી કોંગ્રેસની વિચારધારાને જનજન સુધી પહોંચાડવા માટે કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.
જેથી કહી શકાય કે, હવે આવનાર સમયમાં ટેકનોલોજી અને ડિજિટલ માધ્યમોના જોરે પાર્ટીઓ પ્રચાર કરી પક્ષના વિચારો પ્રજા સુધી પહોંચાડશે. તેવા સંજોગોનું નિર્માણ થવા જઇ રહ્યું છે.