- ખેડૂત સાથે છેતરપીંડી થતા ફરિયાદ
- તમાકુ ખરીદીને 10.87 લાખ ઉપરાંતની રકમ નહીં આપતા નોંધાઈ ફરિયાદ
- મૂળ પેટલાદના રૂપિયાપુરાનો શખ્સ સામે નોંધાયો ગુનો
- ઉમરેઠ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ઉમરેઠ: વેપારી દ્વારા તમાકુ ખરીદીના પૈસા નહીં આપતા ખેડૂતે નોંધાવી ફરિયાદ
ઉમરેઠના ખેડૂતને મહુધા અને રૂપિયાપુરાના બે ભેજાબાજોએ તમાકુ ખરીદીને રૂપિયા 10.87 લાખ ઉપરાંતની રકમ નહીં આપીને વિશ્વાસઘાત તેમજ છેતરપીંડી કરતા આ અંગે ઉમરેઠ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
આણંદ: ઉમરેઠના ખેડૂતને મહુધા અને રૂપિયાપુરાના બે ભેજાબાજોએ તમાકુ ખરીદીને 10.87 લાખ ઉપરાંતની રકમ નહીં આપીને વિશ્વાસઘાત તેમજ છેતરપીંડી કરતા આ અંગે ઉમરેઠ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર ફરિયાદી રાહુલભાઈ પટેલે આ વર્ષે તમાકુનો પાક કર્યો હતો અને તમાકુ ગેંગડી વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં ભરી હતી. તે દરમ્યાન તમાકુ વેચવા માટે ભાટપુરાના ઓળખીતા દિનેશભાઈ મણીભાઈ પટેલને વાત કરતાં તેમણે તમાકુની દલાલીનું કામકાજ કરતા મહુધાના સફીભાઈ મહંમદમીંયા મલેકનો મોબાઈલ નંબર આપતાં તેમનો સંપર્ક કર્યો હતો. જેથી તેઓ ગોડાઉને આવીને સેમ્પલ લઈ ગયા હતા. ત્યારબાદ તેઓ એક વેપારીને લઈને આવ્યા હતા અને તેમની ઓળખ મનિષભાઈ અરવિંદભાઈ પટેલ તરીકે આપી હતી અને તમાકુના ભાવતાલ નક્કી કર્યા હતા.
ચાર આઈશર ટેમ્પા ભરીને કુલ ૧૯૨૫૫ કિલો તમાકુ ખરીદી હતી
ત્યારબાદ ગત 24મી ઓક્ટોમ્બરના રોજ કિલોએ 85ના ભાવે ગોડાઉનમાંથી ચાર આઈશર ટેમ્પા ભરીને કુલ ૧૯૨૫૫ કિલો તમાકુ ખરીદી હતી. જેની કિંમત 1587574 રૂપિયા થઈ હતી. બન્ને શખ્સોએ બીજી ગાડીમાં માણસો પૈસા લઈને આવે છે તેમ જણાવીને તમાકુ ભરેલા ટેમ્પા રવાના કરાવી દીધા હતા. ત્યારબાદ માણસો રસ્તો ભુલી ગયા છે તેમ જણાવીને નડીઆદ ડભાણ ભાગોળ ખાતે લઈ ગયા હતા. જ્યાં એક ગાડીમાં બીજા માણસો આવી ચઢ્યા હતા અને પાંચ લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. બીજા પૈસા સવારે આપી દેવાનો વાયદો કર્યો હતો.
તમાકુ ખરીદીને 10.87 લાખ ઉપરાંતની રકમ નહીં આપતા છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ
બીજા દિવસે સંપર્ક કરતાં આજે કામ છે, પછી આવીને પૈસા આપી જઈશું તેમ તે શખ્સે જણાવ્યું હતુ. ત્યારબાદ ઘણો સમય વીત્યો હોવા છતાં પણ પૈસા ના આપતાં રાહુલભાઈએ મહુધા જઈને સફીભાઈને શોધી કાઢ્યા હતા અને તેમની પૂછપરછ કરતા તમાકુ ભરીને લઈ ગયેલો શખ્સો પેટલાદ તાલુકાના રૂપિયાપુરા ગામે રહેતો મથુરભાઈ ભીખાભાઈ ઠાકોર હોવાનું જણાવ્યું હતુ. જેથી તેઓએ ઉમરેઠ પોલીસ મથકે આવીને ૧૦.૮૭ લાખ ઉપરાંતની છેતરપીંડીં કરનાર બન્ને શખ્સો વિરૂદ્ઘ ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કર્યો હતો.