- શનિવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી કરમસદ આવશે
- કૃષિ બિલને લઈને ખેડૂતોને કરશે સંબોધન
- ચાર જિલ્લાના ખેડૂતો કૃષિ કાયદા અંગે સીએમ રૂપાણી પાસેથી મેળવશે માહિતી
આણંદ: દિલ્હી અને હરિયાણામાં ચાલી રહેલું ખેડૂત આંદોલન દિન પ્રતિદિન ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. જેના પગલે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આવતીકાલે આણંદ જિલ્લાના કરમસદ મુકામે ચાર જિલ્લામાંથી આવેલા ખેડૂતોને સંબોધન કરી કૃષિબિલ-2020 અંગે માર્ગદર્શન આપી ખેડૂતોને આ બિલ અંગે વિસ્તારમાં જાણકારી આપી માહિતગાર કરશે.
સીએમ વિજય રૂપાણી કરમસદમાં ખેડૂતોને સંબોધન કરશે ચાર જિલ્લાના ખેડૂતો કૃષિ કાયદા અંગે સીએમ રૂપાણી પાસેથી મેળવશે માહિતી
કરમસદ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં 4 જિલ્લામાંથી ખેડૂતો ભાગ લેશે. જેમાં આણંદ, ખેડા, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાંથી ખેડૂતો સામેલ થશે. આ કાર્યક્રમ અંગે માહિતી આપતા આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ વિપુલ પટેલે ઈટીવી ભારતને જાણકારી આપતા જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં ચાર જિલ્લામાંથી આવેલા ખેડૂતોને મુખ્ય પ્રધાન સંબોધન કરશે. દરેક જિલ્લામાંથી 100 ખેડૂતો આ કાર્યક્રમમાં સામેલ થશે. જેથી અંદાજીત 400 ખેડૂતો આ કાર્યક્રમમાં આવે તેવી શકયતા છે. કોરોનાની વર્તમાન સ્થિતિ વચ્ચે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે કોવિડની ગાઇડલાઈનનું પુરતું ધ્યાન રાખવામાં આવશે. સાથે જ આવશ્યક વસ્તુઓ જેવી કે, સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટનસિંગનું પણ ધ્યાન રાખવામાં આવશે. તેવી માહિતી આપવામાં આવી છે.