આણંદ: જિલ્લામાં અનાજ વિતરણની વ્યવસ્થા સરળતાથી કાર્યરત રહે તે માટે પાંચ દિવસ એટલે કે 13 એપ્રિલથી 17 એપ્રિલ દરમિયાન આનાજ વિરતણ કરવામાં આવશે.
આણંદમાં APL -1 કાર્ડધારકોને ૧૩ એપ્રિલથી વિનામૂલ્યે અનાજ મળશે - કોરોના વાઇરસ
તાજેતરમાં કેબિનેટ બેઠકમાં રાજ્યના 60 લાખથી વધુ APL-1 રેશન કાર્ડધારકો મધ્યમવર્ગીય પરિવારોને એપ્રિલ માસમાં વિનામૂલ્યે અનાજ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ પ્રજાલક્ષી નિર્ણયના પગલે હવે આણંદ જિલ્લામાં પણ જિલ્લા કલેકટર આર.જી. ગોહિલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકરી ગોપાલ બામણિયા અને તેમની ટીમ દ્વારા આણંદ જિલ્લાના સરકાર માન્ય 674 સસ્તા અનાજની દુકાનો પરથી 1.70 લાખ APL-1 કાર્ડધારકો એટલે કે 7.60 લાખ જેટલા મધ્યમવર્ગીય લોકોને વિનામૂલ્યે અનાજ મળશે.
ઉપરાંત, NFSAમાં સમાવિષ્ટ ન હોય તેવા APL-1 રેશનકાર્ડ ધારકોના કાર્ડના છેલ્લા અંક-આંકડા નંબર 1 અને 2 છે તેમને 13 એપ્રિલ 2020, 3 અને 4 છેલ્લા આંકડા ધરાવતા કાર્ડધારકોને 14 એપ્રિલ, 5 અને 6 છેલ્લા આંક ધરાવતા હોય તેમને 15 એપ્રિલ તેમજ 7 અને 8 છેલ્લા અંક ધરાવતા APL-1 કાર્ડધારકે 16 એપ્રિલ તેમજ 9 અને 0 છેલ્લો આંક હોય તેવા રેશનકાર્ડ ધારકને 17 એપ્રિલના દિવસે અનાજ વિતરણ વિનામૂલ્યે કરવામાં આવશે.
પ્રવર્તમાન લૉકડાઉન અને કોરોના વાઇરસની પરિસ્થિતીમાં આવા અનાજના વિતરણ દરમિયાન ભીડભાડ ન થાય, સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે અને સૌને પૂરતું અનાજ મળી રહે તેવી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા જિલ્લા કલેક્ટર દ્વારા તાકીદ કરવામાં આવી છે.
APL-1 કાર્ડધારકોએ પોતાના કાર્ડ સાથે આધાર કાર્ડ પણ લઇ જવાનું રહેશે તથા સરકાર માન્ય સસ્તા અનાજના દુકાનધારકે વિતરણ વ્યવસ્થાનું રજીસ્ટર નિભાવવાનું રહેશે.
અનિવાર્ય સંજોગોનાં કારણે જો કોઇ APL-1 કાર્ડધારક આ પાંચ દિવસ દરમિયાન અનાજ વિતરણનો લાભ ન મેળવી શકે તો એવા લાભાર્થીઓને 18 એપ્રિલના દિવસે અનાજ વિતરણ કરવામાં આવશે.