આણંદઃ જિલ્લાના નાગરિકોને કોરોનાથી ડરની થવાને બદલે સતર્ક રહેવા અને અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા માટે તેમજ સરકાર દ્વારા મુદ્રિત અને વિજાણુ માધ્યમો દ્વારા સાવચેતીના ઉપાયોની અપાતી જાણકારી મુજબ યોગ્ય તકેદારી લેવા આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.
આણંદ જિલ્લામાં કોરોનાની અસર નથી: જિલ્લા કલેકટર - કોરોના વાયરસની સારવાર
આણંદ જિલ્લા વહીવટી તંત્ર, મ્યુનિસિપલ તંત્ર, આરોગ્ય તંત્ર અને સંબંધિત વિભાગો દ્વારા વિશ્વ મહામારી કોરોનાને અટકાવવા માટેની તકેદારીઓનો સંકલિત રીતે પાલન કરવામાં આવે તે માટે સંકલન કરવામાં આવ્યું હતું. કલેકટર આર.જે ગોહિલે બુધવારના રોજ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું કે, અત્યાર સુધી કોરોનાનો કોઇ પણ પોઝિટિવ કેસ આણંદ જિલ્લામાં નોંધાયો નથી. છતાં આરોગ્ય તંત્ર દ્વારા અગમચેતીના પગલાં લેવામાં આવી રહ્યાં છે. સાથે જ સંબધિત કચેરીઓને પણ આ અંગે માહિતગાર કરીનો લોકહિતમાં પગલા લેવા જણાવાયું છે.
જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, આણંદ શહેર તથા જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા 244 પ્રવાસીઓનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. જે પૈકી બે સેમ્પલ લેવામાં આવ્યા હતા. તે તમામ સેમ્પલ નેગેટિવ જણાયા છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા અટકાયતી તકેદારીઓના સઘન અમલી કરવામાં આવે તે પ્રકારેની કામગીરી કરવામાં આવી રહી છે. સાવચેતીના પગલારૂપે સરકારી અને ખાનગી દવાખાનાઓમાં આઇસોલેશન વોર્ડ લોજિસ્ટિક તથા તબીબી સેવાઓને સુસજ્જ કરવામાં આવ્યા છે.
સરકારી દવાખાનાઓની સાથે સાથે ખાનગી દવાખાનાઓમાં પણ આઇસોલેશન વોર્ડ બનાવવા માટે તંત્રે તૈયારીઓ કરી લીધી છે. શરદી, ઉધરસ, ગળતું નાક, તાવ, શ્વાસ લેવામાં તકલીફ જેવી ફરિયાદો ધરાવતા દર્દીઓની તપાસ કરી કોર્નર ખાતે તેમનું અલગથી નિદાન કરવાની સૂચના આપી દેવામાં આવી હતી.
જિલ્લા વિકાસ અધિકારી આશિષકુમારએ પણ જિલ્લામાં હાથ ધરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, જિલ્લાના તમામ મેડીકલ ઓફિસર અને ડોક્ટરને વર્કશોપ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જેથી આપત્તિના સમયે તમામ સ્ટાફ પૂર્ણ માર્ગદર્શિત કાર્ય કરી શકે અને શહેર અને જિલ્લાને મહામારીની આ બીમારીથી બચાવી શકાય. સાથે-સાથે વિવિધ બિલ્ડિંગનું સેનિટેશન તથા જાહેર સ્થળોનું સેનિટેશન કરવા માટે પણ તંત્રે જરૂરી પ્રક્રિયા હાથ ધરી છે. જેના કારણે જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી જરૂરિયાત મંદોને જરૂરી સારવાર ઉપલબ્ધ બની રહે તે માટે પણ તંત્રે તૈયારી દાખવી છે. કોઈપણ પ્રકારની અફવા ફેલાવી નહીં અને ખોટી અફવાઓમાં આવી નાગરિકોએ ભરમાવું નહિં તે દિશામાં જિલ્લા તંત્રે વિસ્તૃત માર્ગદર્શન આપતી પત્રિકાનું વિતરણ કર્યુ છે.