- અમદાવાદ એટીએસની ટીમે ઝડપી પાડ્યું બાયોડીઝલનું કૌભાંડ
- ખંભાતના વડગામ ખાતે દરોડા દરમિયાન ઝડપાયો કરોડોનો કારોબાર
- 3.70 લાખ લિટરનો ડુપ્લીકેટ બાયોડીઝલનો જથ્થો એટીએસની ટીમે સીલ કર્યો
- એટીએસની ટીમે ૩ આરોપીઓની કરી ધરપકડ
ખંભાતઃ ખંભાતમાં ઘણા સમયથી અસામાજિક પ્રવૃત્તિઓ તેમજ પ્રોડકટને ડુપ્લીકેટ માર્કા સાથે બહાર પાડવાના કૌભાંડ વધી ગયાં છે. ખંભાતમાં તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ડુપ્લીકેટ પ્રોડક્ટ્સનો કરોડોનો કારોબાર વ્યાપ્યો છે. બે માસ પૂર્વે ખંભાતમાં ડુપ્લીકેટ ખાતરનું કરોડોનું કૌભાંડ કંસારી ખાતેથી બહાર આવ્યું હતું. આજે ફરી ખંભાતના વડગામ ગામે ચાલતી એક કંપનીમાં ડુપ્લીકેટ બાયોડીઝલનો ( Biodiesel ) 3.70 લાખ લિટરનો જથ્થો એટીએસ અમદાવાદની ( Ahmedabad ATS ) ટીમે દરોડો પાડી જપ્ત કર્યો છે. એટીએસ અમદાવાદની ( Ahmedabad ATS ) ટીમને ગુપ્ત બાતમી મળી હતી કે વડગામ ગામે ઓઈલનો મોટો જથ્થો તૈયાર કરી બાયોડીઝલ ( Biodiesel ) નામ આપી ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં બહાર મોકલવામાં આવતું હતું. આ બાતમીને પગલે અમદાવાદ એટીએસની ટીમે ખંભાતના વડગામ ખાતે દરોડો પાડતા 3.70 લાખ લીટર ઓઇલનો વિપુલ જથ્થો કબજે કર્યો હતો. આ જથ્થો ભેળસેળયુક્ત હતો જેની ડેસીબીલીટી ચેક કરવામાં આવી હતી ત્યારે તે તદ્દન હલકી કક્ષાની હોવાનું બહાર આવ્યું હતું.
બાતમીના આધારે કરવામાં આવી કાર્યવાહી
ગુજરાત એટીએસના ( Ahmedabad ATS ) પોલીસ ઇન્સ્પેક્ટર સી આર જાદવને બાતમી મળી હતી કે કે આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં વડગામ ખાતે આવેલ હિન્દુસ્તાન એન્વાયરો લાઈફ પ્રોટેક્શન સર્વિસીસ લિમિટેડ સર્વે નંબર 164 -165 ગામ વડગામ ખાતે કેટલા ઈસમો ગેરકાયદે બાયોડીઝલ ( Biodiesel ) બનાવી તેનું વેચાણ કરે છે. આ દૂષણને ડામવા ઉચ્ચ પોલીસ અધિકારીની સૂચના હતી.જેથી બાતમીની ખરાઇ કરવા પોલીસ ઇન્સ્પેક્ટર જાદવ તથા એ ટી એસના અધિકારીઓની એક ટીમ રવાના ખંભાત ખાતે કરવામાં આવી હતી. બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં હિન્દુસ્તાન એન્વાયરો લાઈફ પ્રોટેક્શન સર્વિસ લિમિટેડ ખાતે વપરાયેલા વેસ્ટેજ ઓઇલના રી-રીફાઇનિંગની આડમાં ગેરકાયદે બાયોડીઝલ બનાવી તેના વેચાણની પ્રવૃત્તિ જોવા મળી હતી. આ પ્રવૃત્તિમાં સંડોવાયેલા વ્યક્તિઓમાં (1)અજીમ અબુબકર લાકડીયા (2) તોફીક મેમણ (3) અહેમદ અબુબકર લાકડીયા નામ બહાર આવ્યાં હતાં. ગેરકાયદે બાયોડીઝલ બનાવવા માટે રોમટીરીયલ તરીકે વપરાતું રિસાયકલ ઓઇલ, કેટાલિસ્ટ તરીકે વપરાતું એસિડ તથા બાયોડીઝલનો કુલ મળી 3,70,800 લિટરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ અંગે એટીએસ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
અસામાજિક પ્રવૃત્તિઓ તેમજ ડુપ્લીકેટ ચીજવસ્તુઓનું બેફામ પ્રોડક્શન
ખંભાતમાં ખનીજ માફિયાઓ, ભૂમાફિયાઓ અને ઓઇલ માફિયાઓ બેફામ બન્યાં છે. ઠેરઠેર ડુપ્લીકેટ પ્રોડક્ટસ બહાર પાડવાનું કૌભાંડ ખંભાત તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપ્યું છે. આ બનાવટી બાયોડીઝલ કેટલા સમયથી ચાલતું હતું? અન્ય કઈ કઈ જગ્યાએ આ ડુપ્લીકેટ બાયોડીઝલ ( Biodiesel ) પહોંચાડવામાં આવતું હતું ? આની પાછળ શું રાજકારણ જવાબદાર છે? શું ખંભાતમાં અન્ય કેટલા ખોટા કામ થઈ રહ્યાં છે? શું આ ઓઈલ માફિયાઓના નામ જાહેર થશે કે પછી ખાતર કૌભાંડની જેમ આ કૌભાંડને પણ બંધબારણે પતાવી દેવામાં આવશે? જેવી અનેક બાબતો ખંભાતમાં ઓફ ટાઉન બની છે.