ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાથી બચવા આણંદના રીક્ષાચાલકે પહેરી PPE કીટ, માસ્ક ન પહેરનારાઓ સામે બન્યા ઉદાહરણરૂપ - covid patients of anand

સમાજમાં પરિવર્તન અસાધારણ વ્યક્તિઓ નથી લાવતા, પરંતુ અસાધારણ વિચારસરણીવાળા સામાન્ય લોકો લાવે છે. આ છે આણંદના બોરસદમાં આવેલા વાસણા ગામના બુધાભાઈ ભોઈ. બુધાભાઇ એક સામાન્ય રીક્ષાચાલક છે. પરંતુ કોરોના મહામારી સામે લડવા તેઓ જે પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તે દરેક એવા લોકોનો જવાબ છે જે પોતે અવનવા બહાના કાઢી માસ્ક પહેરવું ટાળી પોતે તેમજ અન્યો માટે જોખમ ઉભું કરે છે.

આણંદના રીક્ષાચાલક બુધાભાઈ ભોઈ
આણંદના રીક્ષાચાલક બુધાભાઈ ભોઈ

By

Published : Apr 18, 2021, 7:14 PM IST

Updated : Apr 18, 2021, 8:05 PM IST

  • આણંદના આ રીક્ષાચાલક PPE કીટ પહેરી ચલાવે છે રીક્ષા
  • બોરસદના રીક્ષાચાલકનું સમાજને પ્રેરણારૂપ કામ
  • જવાબદારી અને પરિવારની ચિંતાને લીધે લીધો નિર્ણય

આણંદ: સામાન્યપણે કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરતા તબીબો અને મેડિકલ સ્ટાફ પોતે કોરોનાથી સંક્રમિત ન થઇ જાય એ માટે PPE કીટ પહેરીને ફરજ બજાવતા હોય છે, આ PPE કીટ આરોગ્ય કર્મચારીઓને રક્ષણ પૂરું પાડે છે. ત્યારે આણંદના બોરસદના વાસણા ગામના એક રીક્ષાચાલક બુધાભાઈ ભોઈએ પોતે કોરોના સામે રક્ષણ મેળવવા PPE કીટ પહેરી રીક્ષા ચલાવી એક અનોખી પહેલ કરી છે અને કોરોનાથી બચવું એ હવે આપણી જ જવાબદારી છે તેવો સંદેશો આપ્યો છે.

આણંદના રીક્ષાચાલક બુધાભાઈ ભોઈ

લોકડાઉન બાદથી જ PPE કીટ પહેરીને રીક્ષા ચલાવે છે બુધાભાઇ

રાજ્યમાં કોરોના સંક્રમણના ભયંકર વ્યાપને પગલે લોકડાઉનની જાહેરાત થઇ ત્યારથી જ બુધાભાઈએ અગમચેતીના પગલા અપનાવી PPE કીટ પહેરીને જ રીક્ષા ચલાવી રહ્યા છે. આ ઉપરાંત તેમના મુસાફરો પણ નિર્ભયતાથી રીક્ષામાં બેસી યાત્રા કરે તે માટે નિયમિતપણે તેઓ રીક્ષા સેનેટાઇઝ કરે છે. આમ, અન્ય લોકો કે જેઓ માસ્ક પહેરવામાં અવનવા બહાના કાઢતા હોય છે તેમજ વ્યવસ્થિત પહેરતા નથી તેવા તમામ લોકો માટે બુધાભાઈએ એક અનોખું ઉદાહરણ પ્રસ્તુત કર્યુ છે.

આણંદના રીક્ષાચાલક બુધાભાઈ ભોઈ

બુધાભાઇને ક્યાંથી મળી આ પહેલની પ્રેરણા?

આ અંગે ઇટીવી સાથે વાત કરતા બુધાભાઇએ જણાવ્યું હતું કે તેઓ એક સ્કૂલના શિક્ષિકાને મુકવા અને લેવા દરરોજ જતા હતા જે દરમિયાન આ શિક્ષિકાબેને બુધાભાઈને કહ્યું કે ડોક્ટરો, નર્સની જેમ તેઓ પણ જો PPE કીટ પહેરીને રીક્ષા ચલાવે તો તેમની રીક્ષામાં કામ કરતા લોકો સુરક્ષિત રહી શકે. આ બહેને જ બુધાભાઇને PPE કીટ લાવી આપી હતી. આખો દિવસ રીક્ષાની સવારીઓને એક સ્થળેથી બીજા સ્થળે મુકવા જતા બુધાભાઈ પોતે અપરિણિત છે. તેમના માથે મા-બાપ અને બહેનની જવાબદારી છે. જેને પગલે તેમણે સાવચેતી દાખવી અને કોરોના ગાઇડલાઇન્સને શરૂઆતથી જ નિયમિત રીતે અનુસરી રહ્યા છે. એટલું જ નહીં તેઓ રીક્ષામાં બેસવા આવતા મુસાફરોના હાથ પણ સેનેટાઈઝ કરાવીને જ રીક્ષામાં બેસાડે છે અને મુસાફરના ઉતર્યા બાદ પણ રીક્ષા સેનેટાઈઝ કરીને જ બીજા મુસાફરને બેસાડે છે.

આ પણ વાંચો: અઠવાડિયામાં આણંદ જિલ્લામાં RTPCR ટેસ્ટ લેબોરેટરી થશે ચાલુ: જિલ્લા કલેકટર

મુસાફરોને પણ માસ્ક પહેરવા સમજાવે છે

બુધાભાઈ રીક્ષા ચલાવતા સમયે પણ ધ્યાન રાખે છે કે તેમના પેસેન્જરો સવારી દરમિયાન માસ્ક પહેરી રાખે, કોરોના કહેરમાં બુધાભાઈએ ઘણા દર્દીઓને પણ હોસ્પિટલમાં પહોંચાડવા માટે સેવા આપી છે. ઘણા કિસ્સામાં જો દર્દીની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તો તેમની પાસે ભાડાની પણ અપેક્ષા રાખતા નથી, આ સાથે જ સાંજે ઘરે પહોંચી રીક્ષાને વ્યવસ્થિત સાફ કરી સેનેટાઈઝરથી આખી રીક્ષાને સ્વચ્છ કરી પોતે PPE કીટ કાઢી તેને ડિસઇન્ફેકટેડ કરી ગરમ પાણીમાં બોળીને સાફ કરી દે છે. બુધાભાઈ કહે છે કે PPE કીટ ખૂબ મોંઘી આવતી હોય છે તેમની આવક પ્રમાણે તેઓ આ ખર્ચને પહોંચી વળવા સક્ષમ નથી પણ PPE કીટની સરખામણીમાં જિંદગીની કિંમત ખૂબ વધુ છે, આથી પરિસ્થિતિને અનુરૂપ પોતાની નૈતિક જવાબદારી સમજી સંક્રમણથી બચવા અને સમાજની ચિંતા કરતા બોરસદના બુધાભાઈ અનોખી પ્રેરણા પુરી પાડી રહ્યા છે.

Last Updated : Apr 18, 2021, 8:05 PM IST

ABOUT THE AUTHOR

...view details