આણંદ : બોરસદમાં પોલીસ કોન્સ્ટેબલને ટ્રેલર ચાલકે કચડીને મારી નાખવાનો બનાવ બન્યો છે. બોરસદ શહેર પોલીસ મથકના ડી સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મંગળવારના રોજ મોડી રાત્રે વાહન ચેકિંગમાં હતાં. તે દરમિયાન તેમણે શંકાસ્પદ લાગેલા ટ્રેલરને (Police Accident in Borsad) ઉભુ રાખવા ઇશારો કર્યો હતો. પરંતુ ટ્રેલર ચાલકે વાહન ઉભુ રાખવાના બદલે સીધું કાર પર ચડાવી દીધું હતું. જેના કારણે કોન્સ્ટેબલ કચડાઇ જતા તેને ગંભીર ઈજા પહોંચી હતી અને સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાથી પોલીસ બેડામાં (Police Killed in Borsad) ભારે શોકની લાગણી છવાઈ છે અને ટ્રેલર ચાલક વાહન છોડી ભાગી ગયો હતો.
શું હતો બનાવ - બોરસદ યુનિટમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા મહેશ સોલંકીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બોરસદ શહેરની આણંદ ચોકડી પર મંગળવારની રાત્રે ફરજ સોંપવામાં આવી હતી, ત્યારે કોન્સ્ટેબલ કિરણસિંહ રાજ નાઇટ રાઉન્ડમાં હતાં. તે સમયે રાત્રિના 11 વાગ્યાની આસપાસ વાહન ચેકીંગ દરમિયાન વાસદ ચોકડી તરફથી RJ 52 GA 3908 નંબરનું ટ્રેલર આવતું હતું. આથી, કિરણસિંહે ટ્રેલરના ચાલકને એક બાજુ ઉભુ રાખવા ઇશારો કર્યો હતો. પરંતુ ટ્રેલરના ચાલકે ટ્રેલર ઉભુ ન રાખી પુરઝડપે હંકારી આણંદ તરફ જતા રસ્તે ભગાડ્યું હતું. આથી, શંકાસ્પદ લાગતા કિરણસિંહ અને હોમગાર્ડના જવાનોએ ખાનગી કારમાં ટ્રેલરનો પીછો કર્યો હતો. થોડે કિલોમીટર દૂર અશોક પાર્ક પાસે બ્રિજ પાસેના સર્વિસ રોડ પર આવતા કોન્સ્ટેબલ કિરણસિંહ જયમલસિંહ ટ્રેલરની ઓવરટેક કરી થોડે દુર આગળ ગાડી ઉભી રાખી ટ્રેલરના ડ્રાઇવરને ફરી રોકવાનો ઇશારો કર્યો હતો.
ટ્રેલર ચાલકની ધરપકડ -કોન્સ્ટેબલ કિરણસિંહ જયમલસિંહ ડ્રાઇવર સાઇડનો દરવાજો ખોલીને બહાર ઉભા હતાં. તે દરમિયાન પાછળથી ટ્રેલર ડ્રાઇવરે પુરઝડપે અને બેદરકારીથી હંકારી કાર પર ટ્રેલર નાખી દીધું હતું. જેના કારણે કિરણસિંહ હડફેટે ચડી જતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માત બાદ ટ્રેલર તારાપુર તરફ હંકારી નાસી ગયો હતો. આ અકસ્માતથી હતપ્રભ બનેલા હોમગાર્ડ જવાનોએ તાત્કાલિક ઉપરી અધિકારીઓને જાણ કરી કિરણસિંહને સારવાર માટે કરમસદ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન મૃત્યું નિપજ્યું હતું. આ ગંભીર ઘટનાના પગલે પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી અને જિલ્લા પોલીસ વડા અજીત રાજ્યને સહિતની ટીમ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસે ટ્રેલર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અને મોડી સાંજે ટ્રેલર ચાલકની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો :પોલીસ કોન્સ્ટેબલ સામે શખ્સએ કાઢ્યો છુરો અને થયું એવું કે...