સારસામાં કૈવલ જ્ઞાનપીઠાશ્વર આચાર્ય અવિચલદાસજી મહારાજના સાધુ દીક્ષા સુવર્ણજયંતી મહોત્સવ નિમિત્તે પ્રથમવાર વિરાટ ધર્મ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે. આગામી તા.5 જાન્યુઆરીએ સવારે 9 વાગ્યાથી પૂજ્ય શંકરાચાર્ય, રામાનંદાચાર્ય, રામાનુજાચાર્ય, વૈષ્ણવાચાર્ય, જગતગુરુ સહિત વિવિધ સંપ્રદાયના આચાર્ય પરંપરામાંથી આવતા આચાર્યો તથા ગુજરાતના પ્રસિદ્ધ ધર્મસ્થાનોની ગાદી પરંપરાથીમાં ટોચ પરના સંતો પધારશે.
આણંદ જિલ્લાના સારસા ખાતે આવેલ સત કૈવલ મંદિરમાં વિરાટ ધર્મ સભાનું ભવ્ય આયોજન થશે આ ઉપરાંત હિંદુ ધર્મ કાર્ય સભા, ભારત સાધુ સમાજ અને અખિલ ભારતીય સંત સમિતિના વડાઓ તથા વિવિધ અખાડાઓના અગ્રણી મહામંડલેશ્વરો સહિત અનેક સંતો-મહંતો સારસા ખાતે યોજાનાર વિરાટ ધર્મ સંમેલનમાં હાજરી આપનાર છે. આ સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતીનભાઇ પટેલ તથા પ્રધાનો સહિત અનેક રાજકીય આગેવાનો આ સંમેલનમાં ઉપસ્થિત રહેશે તેવી જાણકારી હાલ પ્રસિદ્ધ કરવામાં આવી રહી છે.
માત્ર 18 વર્ષની ઉંમરે સાધુ બન્યા બાદ સાધુ દીક્ષાના 50 વર્ષ પૂર્ણ કર્યા એ દરમિયાન ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર યોગદાન આપનાર અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ આચાર્ય અવિચલદાસજી મહારાજને આ પ્રસંગે ચાંદીથી તોલવામાં આવશે. ત્યારબાદ આ રજત તુલાનો સમાજના કલ્યાણ માટે ઉપયોગ કરવામાં આવશે. જેની વિશિષ્ટ યોજનાની જાહેરાત પણ કરવામાં આવનાર છે.
આ પ્રસંગે ગુરુજી સાથેના ભક્તોના વિશિષ્ટ અનુભવો પર આધારિત શ્રી કુમારભાઈ પંડ્યા સંપાદિત પુસ્તકનું વિમોચન થશે. સાધુ સુવર્ણ જયંતિ મહોત્સવ સમિતિ માર્ગદર્શક બાલ યોગીની સાધ્વી ગીતા દીદી જેમના દ્વારા વિરાટ ધર્મ સંમેલનમાં આચાર્ય અવિચલદાસજી મહારાજના જીવન પર આધારિત નાટિકા ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવશે.
આ મહોત્સવમાં તા. 4 થી 14 જાન્યુઆરી દરમિયાન વિવિધ પ્રેરક આયોજનો કરવામાં આવનાર છે. તેમજ તા.5 જાન્યુઆરીએ વિરાટ ધર્મ સંમેલન તેમજ 4 જાન્યુઆરીએ અખિલ ભારતીય સંત સમિતિનું રાષ્ટ્રીય અધિવેશન અવિચલદાસજી મહારાજના અધ્યક્ષ સ્થાને યોજાશે. તેમજ 7મી જાન્યુઆરીએ 21મો કેવલ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
મહારાજ છેલ્લા 19 વર્ષમાં 2000 કરતાં પણ વધુ દીકરીઓના લગ્ન કરાવી ચુક્યા છે. 9 થી 13 મી જાન્યુઆરી દરમિયાન સારસા મુકામે ગ્રંથ શિબિર તથા 14મી જાન્યુઆરીએ અવિચલદાસજી મહારાજના 48માં ગાદી અભિષેક દિન પ્રસંગે બાળરક્ષક બાલકુબેરનો મહા અભિષેક અને ષોડશોપચાર મહાપૂજાનું આયોજન કરાયું છે.
આ વિરાટ ધર્મ સંમેલનમાં ગુજરાત તથા દેશ-વિદેશના લાખો ભક્તો ઉપસ્થિત રહેશે. આ મહોત્સવના ઉપક્રમે છેલ્લા અઢી વર્ષથી ભક્તોના કલ્યાણ અર્થે વિવિધ અનુષ્ઠાનો અને અનેક સામાજિક અને રાષ્ટ્રહિતની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. જેનો દરેક ભાવિ ભક્તો લાભ લે છે.