આણંદમાં 13 વર્ષની કિશોરી પર ગેંગરેપ
- વીડિયો વાયરલ કરવાની ધમકી આપી 10 હજાર રૂપિયાની કરી માગ
- કિશોરીની માતાએ પોલીસ સ્ટેશને કરી ફરિયાદ
- રૂરલ પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીઓની કરી અટકાયત
આણંદઃ જિલ્લામાં આવેલા ચિખોદરા ગામમાં રહેતી 13 વર્ષની કિશોરી ઉપર ચાર દિવસ પેહલા અંધારીયા ચોકડીએ બે શખ્સોએ વારાફરથી જાતીય અત્યાચાર ગુજાર્યો હતો. તેમજ ત્રીજા શખ્સે વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી દશ હજારની માંગણી કરતાં ચકચાર મચી હતી. ત્યારે આણંદ રૂરલ પોલીસે ગેંગરેપનો ગુનો નોંધી તપાસ હાથ ધરતા ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી પાડયા હતા.
આણંદમાં 13 વર્ષની કિશોરી પ્રેમી સાથે ફરવા જતા બની ગેંગરેપનો ભોગ બનાવની વિગત મુજબ ચિખોદરા ગામે રહેતી એક ૧૩ વર્ષીય કિશોરી પોતાની વિધવા માતા સાથે આણંદમાં ઘરકામ કરવાની મજુરીએ આવે છે. ગત 4 તારીખના રોજ રાત્રીના નવ વાગ્યાના સુમારે કિશોરી ઘરકામ કરીને પરત ચિખોદરા તરફ જતી હતી, ત્યારે તેનો કહેવાતો પ્રેમી રાજુ પરમાર તેને મળ્યો હતો અને તેણીને બાઈક પર બેસાડીને ચાલ ફરવા લઈ જાઉ તેમ જણાવીને અંધારીયા ચોકડી પાસે આવેલા એક ખેતરમાં લઈ ગયો હતો, જ્યા રાજુએ કિશોરી સાથે બળજબરીથી જાતીય અત્યાચાર ગુજાર્યો હતો.
આણંદમાં 13 વર્ષની કિશોરી પ્રેમી સાથે ફરવા જતા બની ગેંગરેપનો ભોગ સમગ્ર ઘટના ક્રમ દરમિયાન એક શખ્સ આવી ચઢ્યો હતો અને બન્નેને તમારો વીડિયો ઉતારી લીધો છે તેવી ધાકધમકી આપીને કિશોરીને નજીકના નીલગીરીના ખેતરમાં લઈ ગયો હતો. એ પહેલાં તેણે પોતાના મિત્રને ફોન કરી આણંદ-ખાંધલી રોડ ઉપર આવેલી કેનાલ પર બોલાવી લીધો હતો. પેલા યુવકે પણ કિશોરી સાથે બળજબરીથી જાતીય અત્યાચાર ગુજાર્યો હતો. ઘટના દરમિયાન ત્રીજો શખ્સ આવી ચઢ્યો હતો અને કિશોરી અને તેના પ્રેમી પાસે તમારા ફોટા પાડી લીધા છે અને વીડિયો પણ ઉતારી લીઘો છે તેમ જણાવીને દશ હજારની માંગણી કરી હતી. જો કે જે તે સમયે પૈસા ના હોય ફરીથી આપવાનો વાયદો કરીને પ્રેમી કિશોરીને બાઈક પર બેસાડીને ચિખોદરા ગામે લાવી ઉતારીને જતો રહ્યો હતો.
આ તરફ યુવતીની હાલત જોઈને તેની માતાએ તેની પુછપરછ કરી હતી પરંતુ તે એટલી બધી ગભરાઈ ગયેલી હતી કે કોઈપણ હકિકત જણાવી નહોતી. પરંતુ પેલા શખ્સો દ્વારા દશ હજારની માંગણી ચાલુ કરતા જ કિશોરીએ તમામ વિગતો પોતાની માતાને જણાવી હતી, જેથી તેઓ તેને લઈ આણંદ રૂરલ પોલીસ મથકે આવ્યા હતા, અને પોતાની ફરિયાદ આપી હતી.
સમગ્ર ઘટના બાદ આણંદ રૂરલ પોલીસે ત્રણ આરોપી વિરુદ્ધ અપહરણ વિથ રેપનો ગુનો નોંધી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમજ પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.