આણંદ: રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પૂર્વે ‘એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટર માટે ગુજરાતના લોજિસ્ટિક સ્ટ્રેન્થનો લાભ’ વિષય પર આણંદમાં અમૂલના સરદાર વલ્લભભાઈ પટેલ ઓડિટોરિયમ ખાતે પ્રિ-વાયબ્રન્ટ સેમિનાર યોજાયો હતો. કૃષિ મંત્રી રાઘવજી પટેલે, સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતમાં આ સેમિનાર ખુલ્લો મૂકાયો હતો.આ સેમિનારમાં એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં મૂડીરોકાણ માટે કુલ ૫૫ સમજૂતી કરાર પૈકી સાત સમજૂતી પર મંત્રીઓની ઉપસ્થિતિમાં કરાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્ર પુરસ્કૃત મોબાઈલ વેટરનરી યુનિટનું મંત્રી રાઘવજી પટેલના હસ્તે લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.
કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનું સંબોધન: આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સમગ્ર દેશનું મહત્વપૂર્ણ ઔદ્યોગિક રાજ્ય છે. ગુજરાત વૈશ્વિક રોકાણકારો માટે પસંદગીનું રાજ્ય બન્યું છે, ત્યારે એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં થનાર મૂડી રોકાણ ખેડૂતોના ભવિષ્યને બહેતર બનાવવા સાથે દેશની ખાદ્યાન્ન સુરક્ષા પૂરી પાડવામાં મહત્વનું યોગદાન આપશે. ગુજરાતમાં એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરના વિકાસની વિપુલ તકો સાથે વિદેશોમાં પણ નિકાસની શક્યતાઓ રહેલી છે તેનો ઉલ્લેખ કરતા કૃષિ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાંથી દેશમાં અને વિદેશમાં નિકાસ માટે પરિવહનની કોઈ અગવડ ન પડે તે માટે આધુનિક રસ્તાનું નેટવર્ક, રેલવે નેટવર્ક, હવાઈ નેટવર્ક સાથે સરકારે પ્રોત્સાહક નીતિઓ પણ અમલમાં મૂકી છે, જેનો લાભ લેવા માટે રોકાણકારોને આહવાન કર્યું હતું.
ગુજરાત કૃષિ વિકાસ દર સાથે સમગ્ર દેશમાં અગ્રેસર: કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગુજરાતમાં થઈ રહેલા કૃષિ વિકાસની ભૂમિકા આપતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૧-૨૦૦૨ માં ગુજરાતનો કૃષિ વિકાસ દર ૮.૬ ટકા હતો, જે અરસામાં દેશનો કૃષિ વિકાસ દર માત્ર ૩.૨ ટકા હતો. ગુજરાત આજે ૧૧ ટકા ઉપરાંત કૃષિ વિકાસ દર સાથે સમગ્ર દેશમાં અગ્રેસર છે. રાજ્યમાં એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરનો વિકાસ થતા નિકાસને વેગ મળશે તેનો સીધો લાભ રાજ્યના ખેડૂતોને થશે તેમ તેમણે ઉમેર્યું હતું. સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, એગ્રી અને ફૂડ પ્રોસેસિંગમાં તકનીકી પ્રગતિ સાથે મૂલ્યવર્ધન એ જ ભવિષ્યનો માર્ગ છે. આ ક્ષેત્ર મહત્તમ રોજગારીનું સર્જન કરી શકે તેમ છે. રાઘવજી પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, આ સેમિનાર સરકાર અને ખાનગી ક્ષેત્ર માટે રાજ્યની માળખાકીય અને લોજિસ્ટિકલ ક્ષમતાઓ અંગે સહયોગ અને ચર્ચા કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે. રાજ્યમાં ૩૦ હજારથી વધુ ફૂડ પ્રોસેસિંગ એકમો કાર્યરત છે અને સરપ્લસ ઉત્પાદનોમાં મૂલ્યવર્ધનના અવકાશનો વિસ્તાર કર્યો છે જેનો શ્રેય નિકાસ માટેની સુધરેલી કનેક્ટિવિટીને જાય છે.
કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડનું સંબોધન: કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૦૩ના વર્ષથી વાઇબ્રન્ટ ગુજરાતની કલ્પના કરી તેને સાચા અર્થમાં સાકાર કરી ગુજરાતના ઔદ્યોગિક વિકાસને આગળ ધપાવવાનું સંનિષ્ઠ કાર્ય આરંભ્યું હતું. આજે ૨૦ વર્ષ બાદ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે સામાજિક-આર્થિક વિકાસ માટેનું વૈશ્વિક મંચ બન્યું છે. ગુજરાતમાં ઉત્પાદિત વિવિધ પ્રકારના અનાજ, મસાલા, ફળ, શાકભાજી વગેરેનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા બે દાયકામાં ગુજરાતે કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી છે, તેના પરિણામે ગુજરાત આજે કૃષિ ક્ષેત્રે દેશમાં આગળ પડતું સ્થાન ધરાવવાની સાથે દેશના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે.