- આણંદ જિલ્લા મથકમાં પ્રજા પાયાની સુવિધાઓથી વંચિત
- શહેરના 50 ટકા વિસ્તારો હજુ પણ ગટર સુવિધાનો અભાવ : ચીફ ઓફિસર
- બાકરોલ તળાવમાં ગટરનું પાણી ભળતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
આણંદ : શ્વેત ક્રાંતિના કારણે આણંદ જિલ્લો વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. આણંદમાં વર્ષ 1889થી નગરપાલિકાની સ્થાપના કરવામાં આવી હતી. જે વર્ષ 2014થી તેના 125 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. વિકાસની હરણફાળમાં અન્ય શહેરો સાથે આગળ વધી રહેલા આણંદ શહેરમાં જ માળખાગત સુવિધાઓમાંની એક ગટર વ્યવસ્થા જ કથળેલી હાલતમાં હોય તેમ પ્રતીત થઈ રહ્યું છે. નગરપાલિકાના ચીફ ઓફિસરના જણાવ્યા પ્રમાણે નગરપાલિકા અંતર્ગતના 50 ટકા વિસ્તારમાં હજુ ગટરની કામગીરી કરાઈ નથી.
આણંદના 3 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પૈકી 2 પૂર્ણ કાર્યક્ષમતાથી કાર્યરત
ETV Bharat દ્વારા આણંદના શહેરી વિસ્તારમાં ગટરની વ્યવસ્થા અંગે તપાસ કરતા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આણંદ નગરપાલિકાના 50 ટકા જેટલા વિસ્તારમાં હજુ ગટરની કામગીરી થઈ નથી આણંદ નગરપાલિકાના પાસે 3 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સુવિધા છે. જે પૈકી 2 અત્યારે પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત છે. જ્યારે 1 એસ.ટી.પી. માં થોડું કામ બાકી હોવાથી તે અત્યારે પૂર્ણ ક્ષમતાથી કાર્યરત નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આણંદમાં હાલ ટાઉન પ્લાનિંગની સાઇડમાં પૂર્વ આયોજિત ગટર વ્યવસ્થાનું આગોતરું પ્લાનિંગ કરીને કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તે સિવાય વોર્ડ 12નો થોડો ભાગ અને વોર્ડ નંબર 13નો અડધો ભાગ હજુ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં સમાવિષ્ટ ન હોવાથી ગટર સુવિધાથી સજ્જ નથી.