આણંદઃ આગામી દિવસોમાં રજૂ થનારા કેન્દ્રીય બજેટ 2020 માટે ડૉ. આર. એસ. સોઢીએ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, અમુલ 26 લાખ ખેડૂતોની સંસ્થા છે, ત્યારે આવનાર 2020 બજેટ માટે અપેક્ષાઓ તો ઘણી છે. પશુપાલન દેશની GDPમાં 4.6 ટકા ફાળો આપે છે, તથા કૃષિ GDPમાં 30 ટકા ફાળો આપે છે. જે ખુબ જ મોટું યોગદાન છે. સરકાર દ્વારા કૃષિને ફાળવવામાં આવતા બજેટમાં પશુપાલનનાં યોગદાનને ધ્યાનમાં રાખી બજેટ ફાળવવું જોઈએ.
સરકારે એગ્રીકલ્ચર સેકટરનું 30 ટકા બજેટ પશુપાલકોને આપવું જોઈએ: ડૉ. આર. એસ. સોઢી - કોર્પોરેટ ટેક્સ
દેશમાં આગામી દિવસોમાં કેન્દ્રીય બજેટ 2020 રજૂ થવાનું છે. જે અંતર્ગત ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GMMF)ના મેનેજિંગ ડાયરેક્ટર ડૉ. આર. એસ. સોઢી દ્વારા આવનારા બજેટમાં પશુપાલકના હિત માટે સરકાર દ્વારા બજેટમાં લેવાં જેવા નિર્ણયો પર નિવેદન આપવામાં આવ્યું હતું.
![સરકારે એગ્રીકલ્ચર સેકટરનું 30 ટકા બજેટ પશુપાલકોને આપવું જોઈએ: ડૉ. આર. એસ. સોઢી About 30% of the budget of the Government Agriculture Sector should be given to the livestock](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5873263-thumbnail-3x2-andex.jpg)
કૃષિ ક્ષેત્રે ઇનકમ ટેક્સ નથી. તેવી જ રીતે પશુપાલકોને પણ તેમની આવક પર ટેક્સ રદ્દ કરવો જોઈએ. પશુપાલકોને પણ કૃષિ જેવા લાભ મળવા જોઈએ. તેમણે સરકાર દ્વારા કોર્પોરેટ ટેક્સમાં આપેલી રાહતને આવકારી હતી. કો-ઓપરેટિવ સેક્ટરને પણ સરકારે આવા લાભ આપવા અપીલ કરી હતી. દેશમાં કોર્પોરેટ સેક્ટરમાં સરપ્લેસ સાથે 35 ટકા જેટલો ઇનકમ ટેક્સ લેવામાં આવતો હતો. જે ઘટાડી ને 25 ટકા કરાયો છે, જ્યારે અમુલ જેવી ગરીબ ખેડૂતોની સહકારી સંસ્થાઓ પાસેથી હજુ પણ 35 ટકા ઇનકમ ટેક્સ વસૂલવામાં આવતો હોવાની તેમને સ્પષ્ટતા કરી હતી. આગામી દિવસોમાં સરકાર આ અંગે યોગ્ય નિર્ણય લેશે તેવી આશા વ્યક્ત કરી હતી.
દેશમાં દૂધની જરૂરિયાત અને તેના ઉત્પાદન અંગે ડૉ. સોઢીએ જણાવ્યું હતું કે, દેશમાં દર વર્ષે 6 ટકા જેટલું દૂધ ઉત્પાદન વધી રહ્યું છે, આ એક સારી બાબત છે. દેશમાં કોઈ જ પ્રકારની દૂધની અછત નથી. જો કે, દુનિયાની દૂધ ઉત્પાદન સાથે જોડાયેલી કંપનીઓ પોતાનું દૂધ ભારતમાં વેચવા માટે ખોટી અફવાઓ ફેલાવી રહી છે.