- ખંભાત પંથકમાં ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતાં ડૉકટરોનો રાફડો ફાટયો
- ખંભાતના રાલેજ ગામેથી 3 બોગસ ડૉક્ટર ઝડપાયા
- કલમસરના તબીબી અધિકારી ડૉ. ભાવિક પરમાર તથા પોલીસના માણસોએ રાલજ ગામે રેડ પાડી
રાલેજ ગામેથી 3 બોગસ ડૉક્ટર ઝડપાયા
આણંદ: ખંભાત પંથકમાં કોઈપણ પ્રકારના તબીબી સર્ટિફિકેટ વિના ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતાં ડૉકટરોનો રાફડો ફાટયો છે, ત્યારે આણંદ SOG PSI ચૌધરી દ્વારા બાતમી મળી હતી કે, રાલજ ગામે ત્રણ બોગસ ડૉક્ટરો તબીબી પ્રેક્ટિસ કરે છે. જે અંગે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા યાદી મળતા કલમસરના તબીબી અધિકારી ડૉ. ભાવિક પરમાર તથા પોલીસના માણસોએ રાલજ ગામે રેડ પાડી હતી.
રાલેજ ગામેથી 3 બોગસ ડૉક્ટર ઝડપાયા મેડિસિન, રોકડ રૂપિયા તથા મોબાઇલ મળી કુલ 126277નો મુદ્દામાલ કબજે કર્યો
પ્રાપ્ય માહિતી મુજબ રાલજ ગામમાં રબારી વાસમાં રેડ પાડતા પ્રેક્ટિસ કરતા રાજુ ભગવાનભાઈ રબારી દવાખાને પહોંચીને તેની પાસે તબીબી પ્રમાણપત્ર સર્ટીફિકેટ માગતા પોતાની પાસે આવું કઈ પ્રમાણપત્ર નહીં હોવાનું તબીબે જણાવ્યું હતું, સાથે જ દવાખાના ટેબલ ઉપર બીપી માપવાનું સાધન સહિતની દવાઓ મળી આવી હતી અને તેની પાસેથી 350ની ચલણી નોટો MI કંપનીનો મોબાઇલ મળી કુલ રૂપિયા 15653નો મુદ્દામાલ કબજે લીધો હતો. આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધાયો હતો, જ્યારે બીજા કિસ્સામાં ખંભાત જાગીર ખાટકીવાડમાં રહેતો અલ્લારખ્ખા મુસ્તુફા કુરેશી રાલજના મંદિર પાસે એક મકાનમાં તબીબી પ્રેક્ટિસ કરી રહ્યો હોવાની બાતમીને આધારે ભાવિક પરમાર સહિત પોલીસ કર્મીના કાફલાએ ઓચિંતી તપાસ હાથ ધરતાં તેની પાસેથી કોઈપણ સંસ્થા એટલે કે ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશનનું પ્રમાણપત્ર નહીં હોવાનું માલુમ પડ્યું હતું. તેની પાસે તબીબી પ્રમાણપત્ર અને સર્ટીફિકેટ માંગતા પોતાની પાસે આવું કોઈ પ્રમાણપત્ર નહીં હોવાનું જણાવ્યું હતું કે, દવાખાનામાં મૂકેલી દવાઓ તેમજ તબીબી સાધનોની ચકાસણી કરતા તે મેડીકલ પ્રેક્ટિસ માટે વપરાતા હોવાનું માલુમ પડયું હતુ. જેથી તેની પાસે મેડિસિન, રોકડ રૂપિયા તથા મોબાઇલ મળી કુલ 126277નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
બોગસ પ્રેકટીસ કરી રહ્યા હોવાનું બાતમીને આધારે જાણવા મળ્યું
ત્રીજા બનાવમાં ખંભાત ત્રણ લીમડી વિસ્તારમાં રહેતા ઇલિયાસ ગુલામ મુસ્તુફાદિન પણ કોઈ પણ અધિકૃત પ્રમાણપત્ર વિના રાલજ ગામમાં બોગસ પ્રેકટીસ કરી રહ્યા હોવાનું બાતમીને આધારે જાણવા મળ્યું હતું. તેમની પાસે પણ કોઈપણ સક્ષમ સંસ્થા કે ગુજરાત MCIના રજીસ્ટ્રેશનનું પ્રમાણપત્ર નહીં હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેમણે તેની તપાસ કરતા 111000નો મુદ્દામાલ કબજે કરી પોલીસે તેની વિરુદ્ધ કાયદેસરનો ગુનો હાથ ધર્યો છે.