આણંદઃ સ્ટેટ મોનિટરીંગ સેલે ગાંધીનગરે નેશનલ હાઈવે નંબર આઠ ઉપર આવેલા વાસદની હરિઓમ દાલબાટી ધાબા હોટલના પાર્કિંગમાંથી 27.43 લાખ ઉપરાંતના વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે ડ્રાયવર અને કંડક્ટરને ઝડપી પાડીને કુલ 44.17લાખનો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પેટ્રોલીંગ કરી રહેલી સ્ટેટ મોનિટરીંગ સેલને માહિતી મળી હતી કે, હરિયાણાથી એક ટ્રકમાં મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો ભરીને આ ટ્રક આણંદ જિલ્લાના વાસદ નજીક આવવાનો છે. જેના આધારે પોલીસે નેશનલ હાઈવે પર આવેલા વાસદ નજીક તપાસ હાથ ધરી હતી. જેમાં શુક્રવારે રાત્રીના સુમારે એક આરજે-14, જીએફ-1520 નંબરની ટ્રક હરિઓમ દાલબાટી ધાબા હોટલના પાર્કિંગમાંથી મળી આવતાં પોલીસે તેમાં સવાર બે શખ્સોને ઝડપી પાડ્યા હતા અને ટ્રકની તલાશી લેતાં ટ્રકની પાછળના ભાગે ચોખાની કણકીના કટ્ટા તેમજ ડાંગરના ભુસ્સાના કટ્ટા ભરેલા મળી આવ્યા હતા. પોલીસે તેને હટાવીને આગળના ભાગે જોતાં વિદેશી દારૂની પેટીઓ ગોઠવેલી મળી આવી હતી.
જેથી પકડાયેલા ચાલક અને ક્લીનરનું નામ પૂછતાં તેઓ હરિયાણાના રોહતક જિલ્લાના કહની ગામના સંજયકુમાર ધરમસિંગ ધાનક (જુલાયા)તથા રાજેશકુમાર ઉર્ફે સોનુ દરિયાસિંહ સૈન હોવાનું ખુલવા પામ્યું હતુ. વિદેશી દારૂની હેરાફેરી કરવા અંગેનુ લાયસન્સ માંગતા તેઓ આપી શક્યા નહોતા. જેથી ટ્રકને વાસદ પોલીસ મથકે લાવીને કણકીના કટ્ટા તેમજ ડાંગરના ભુસ્સાના કટ્ટા હટાવીને વિદેશી દારૂની પેટીઓ નીચે ઉતારી ગણતરી કરતાં નાની-મોટી થઈને કુલ 6897 બોટલો થવા પામી હતી.