આણંદઃ કૃષિ યુનિવર્સિટીમાં એમબીએનો અભ્યાસ પૂર્ણ કરીને કોરોના મહામારીમાં પણ તમામ વિદ્યાર્થીઓએ નોકરી મેળવી છે. ત્યારે યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર આર.વી.વ્યાસે જણાવ્યું કે, રસપ્રદ વાત એ છે કે કૃષિ વ્યવસાય સંચાલકોની ભરતી કરતી કંપનીઓની સંખ્યા આ વર્ષે વધી છે, વિદ્યાર્થીઓને આપવામાં આવતા પગાર પેકેજમાં વધારો થયો છે, અમને આનંદ છે કે કોરોનાની પરિસ્થિતિમાં પણ અમારા MBAના તમામ 23 વિદ્યાર્થીઓને સ્થાન આપવામાં આવ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, હકીકતમાં અમારા બે વિદ્યાર્થીઓને એચડીએફસી હાઉસિંગ લિમિટેડમાં ક્રેડિટ મેનેજર તરીકે નિમણૂક મળી છે. અમારા એક વિદ્યાર્થીને વાર્ષિક સાડા પાંચ લાખ રૂપિયાનું પેકેજ મળ્યું છે. જે આ વર્ષનું મહત્તમ પેકેજ છે. જ્યારે લઘુત્તમ વાર્ષિક પેકેજ પણ 3,30,000 જેટલું રહ્યું છે. વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ બે તબક્કામાં પૂર્ણ થયું હતું. 20 ટકા વિદ્યાર્થીઓ પ્રથમ તબક્કામાં પસંદગી પામ્યા હતા, જ્યારે બાકીના તેમના પ્રોજેક્ટને પૂર્ણ થયા પછી પસંદ થયા હતા.
કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર ઝાલાએ જણાવ્યું કે, વર્ષ 2008 જ્યારથી આ સંસ્થાની સ્થાપના થઈ છે. ત્યારથી આજ સુધી તમામ વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ 100 ટકા થતું આવ્યું છે. વર્તમાન કોરોના કાળમાં પણ વિદ્યાર્થીઓને 100 ટકા પ્લેસમેન્ટ મળતા તેઓએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.