વરસાદની ઋતુમાં અમરેલી-જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારમાં જીવાતનો ઉપદ્રવ વધ્યો છે. ગામમાં સર્વત્ર ઈયળોનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. ગામની શેરીઓ, જાહેર માર્ગો, શાળાઓ, ઘરમાં તમામ સ્થળે સર્વત્ર ઈયળો જ ઈયળો ફેલાઈ ગઈ છે. આ ઈયળોએ લોકોનું જીવવું હરામ કરી નાખ્યું છે. ભોજન રાંધતી અને જમતી વખતે ખૂબ સાવધાની રાખવી પડે છે. વરસાદ પડ્યા બાદ એકાએક આ ઈયળોનો ઉપદ્રવ વધી ગયો છે.
ગામમાં ફેલાયેલી ઈયળોને જીવવિજ્ઞાન મીલીપેડ તરીકે ઓળખે છે. મીલીપેડ શબ્દ મૂળ લેટીન ભાષાનો છે. અને તેનો અર્થ થાય છે એક હજાર પગવાળું, નામ મુજબ જ, મીલીપેડ ઈયળને 40થી 400 પગ હોય છે. આ વિશે સાયન્સ કહે છે કે, આ ઈયળ માનવસભ્યતાના અસ્તિત્વ પૂર્વેથી પૃથ્વી પર હયાત છે. બાયોલોજીમાં તેનો ઈન્સેક્ટ લાર્વા ગૃપમાં સમાવેશ કરાયેલો છે. ચોમાસું તેની બ્રીડીંગ સીઝન છે. અને ભેજયુક્ત વાતાવરણમાં તેનો ઉપદ્રવ અતિશય વધી જતો હોય છે.
મીલીપેડ બીનઝેરી છે. તે ડંખ પણ મારતી નથી. તેના પર અન્ય જીવ હુમલો કરે ત્યારે તે ગોળ ગુંચડું વળી જાય છે. તે ભેજયુક્ત જમીનમાં ઈંડા મુકે છે. તે અલ્પજીવી અને નિરુપદ્રવી છે.ઈયળનો ઉપદ્રવ જીવલેણના હોઈ સરકારી તંત્રો નિશ્ચિંત છે. પરંતુ, આ ઈયળના લીધે જે તે વિસ્તારમાં લોકોની મુશ્કેલીનો પાર નથી રહેતો તે પણ હકીકત છે.