એ યુવાન દેશની ચૂંટાયેલી પાંખ પૈકી રાજ્યસભાના 245, લોકસભાના 542 અને સમગ્ર દેશના કુલ મળી 4894 ધારાસભ્યોમાં સ્થાન નથી ધરાવતો, તેણે એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મ લીધો છે. પરંતુ તેણે જે કામ કર્યુ છે તેનાથી ઉપરોક્ત તમામ પદાધિકારીઓ શરમમાં મુકાય તેમ છે.
મહેશ આહીરે અંદાજિત 70,000નો ખર્ચ કરી તૈયાર કરેલા આ રોબોર્ટની મદદથી રેસ્ક્યુ ટીમ ફક્ત 20થી 25 જ મિનિટમાં બોરવેલમાં ફસાયેલા બાળકને સફળતાપૂર્વક બહાર કાઢી શકશે. જી હા, આ કોઈ નાની-મોટી સિદ્ધિ નથી, પરંતુ સમગ્ર વિશ્વ અને ભારતના વૈજ્ઞાનિકો સહિત સરકારોને વિચાર કરવા મજબૂર કરે તેવો પ્રેરણાદાયક કિસ્સો છે.
અવાર-નવાર નાના બાળકો બોરવેલમાં પડી ગયા હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે. જેમાં તંત્ર દ્વારા અંતિમ મશીનરીની મદદથી રેસ્ક્યુ કરવાના પ્રયત્નો કરવાં છતાં નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. મહેશ આહીરે આ અંગે ઘણો વિચાર કર્યા બાદ ત્રણ મહિનાની મહેનત અને જુદી-જુદી ટેકનોલોજીનો અભ્યાસ કરી એક રોબોર્ટ તૈયાર કર્યો છે. આ રોબોર્ટમાં લાગેલા વાયરલેસ કેમેરાની સાથે તેમાં LED લાઈટ લગાવવામાં આવી છે. કોઈ પણ એન્ડ્રોઈડ મોબાઈલ થકી આ રોબોર્ટનું સરળતાથી મોનીટરીંગ કરી શકાય છે.
કેવી રીતે કામ કરે છે આ રોબોર્ટ, જુઓ આ વિડિયો...
એકતરફ ભારતમાં સતત બોરવેલમાં બાળક પડી ગયુ હોવાના સમાચાર સામે આવતા રહે છે. થોડા દિવસો પહેલા જ પંજાબના એક ગામમાં આ ઘટના બની હતી, જેમાં રેસ્ક્યુ ટીમને બાળકને બચાવવામાં દિવસોના દિવસો વીત્યા હતા. આ અગાઉ વડોદરા અને એવી રીતે અનેક જગ્યાએ બાળક બોરવેલમાં પડી ગયું હોય તેવી ઘટનાઓ સામે આવી છે. તેમાંય નોંધનીય બાબત એ છે કે આ પ્રકારના અકસ્માતોમાં બાળકોના મૃત્યુ થતાં હોય છે. ત્યારે દેશમાં રાજ્યસભા, લોકસભા અને વિધાનસભાઓના ચૂંટાયેલા કુલ 4907 જેટલા પ્રતિનિધિઓએ આ ઘટના અંગે કોઈ વિચાર કર્યો નથી, તેવા સમયે અમરેલીના રાજુલામાં સામાન્ય ખેડૂત પરિવારનો મહેશ આહીરે આ ઘટના અંગે મનોમંથન કરી એક એવો રોબોર્ટ તૈયાર કર્યો કે જેનાથી બોરવેલ અકસ્માતોમાં થતાં બાળકોના મોતને સરળતાથી અટકાવી શકાશે.