આજથી 50 વર્ષ પહેલા સાવરકુંડલાના માર્કેટિંગ યાર્ડમાં એક સાથે મજૂરી કામ કરતા ભિખાભી કુરેશી અને ભાનુશંકર પંડયા સમય જતા ગાઢ મિત્રો બની ગયા હતા. એક દિવસ મજૂરી કામ કરતા ભાનુશંકર પંડયાને અકસ્માતે પગમાં ઇજા થતા તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા. સાવરકુંડલામાં અનાથ તરીકે રહેતા ભાનુશંકર પંડ્યાને ભીખાભાઇ કુરેશી તેમના ઘરે લઈને આવ્યા ત્યારથી ભાનુશંકર પંડયા તેમના જીવનના અંતિમ દિવસ સુધી કુરેશી પરિવાર સાથે રહ્યા હતા. જે બાદ ગઈ કાલે તેઓએ પણ અનંતની વાટ પકડી લેતા કુરેશી પરિવારે તેમની હિન્દુ વિધિ વિધાન સાથે અંતિમ વિધિ કરીને માનવતાનો સાચો ધર્મ નિભાવ્યો હતો.
એક્તા અને મિત્રતાની અનોખી કહાનીઃ મુસ્લિમ ભાઇઓએ હિન્દુ મિત્રને હિન્દુ રિવાજ સાથે આપી અંતિમ વિદાય
સાવરકુંડલા: અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં હિન્દુ મુસ્લિમ એકતાની અનોખી દાસ્તાન જોવા મળી હતી. અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં હિન્દુ મુસ્લિમ કોમી એકતાના અનોખા દર્શન થયા હતા. છેલ્લા 50 વર્ષથી એક હિન્દુ બ્રાહ્મણ ભાનુશંકર પંડયા તેના મુસ્લિમ મિત્ર ભીખાભાઇ કુરેશીના પરિવાર સાથે રહેતા હતા જેમનું રવિવારે દેહાવસાન થતા ભીખાભાઇ કુરેશીના સંતાનો દ્વારા હિન્દુ સંસ્કાર વિધિ દ્વારા અંતિમ વિધિ કરીને કોમી એકતાના અનોખા દર્શન કરાવીને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
એક વર્ષ પહેલા ભીખાભાઇ કુરેશી પણ અવસાન બાદ ભાનુશંકર પંડયા ભીખાભાઇ કુરેશીના સંતાનો સાથે રહેતા હતા. જે બાદ રવિવારે તેમનું પણ અવસાન થતા કુરેશી પરિવારે હિન્દુ વિધિ વિધાન સાથે જનોઈ ધારણ કરી અબુ નાસીર જુબેર અને હનીફ કુરેશીએ ભાનુશંકર પંડયાની નનામીને કાંધ આપી હતી. હિન્દુ વિધિ મુજબ અગ્નિ સંસ્કાર કરીને માનવતાની સાથે સાચા માનવ ધર્મને ઉજાગર કર્યો છે. આગામી દિવસોમાં ભાનુશંકર પંડયાની જે કોઈ પણ ધાર્મિક વિધિ બાકી છે તેને પણ કુરેશી પરિવાર નિભાવવા માટે સંકલ્પ બદ્ધ બન્યો છે.